મીઠીરોહરની લાકડાં ચોરીમાં 7 જણ ઝડપાયા

મીઠીરોહરની લાકડાં ચોરીમાં 7 જણ ઝડપાયા
ગાંધીધામ, તા. 12 : તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં  લાકડાના બેન્સામાંથી  લાખોની કિંમતના સાગવાનના લાકડાની થયેલી ચોરીના પ્રકરણમાં પૂર્વ કચ્છ  સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ સાત શખ્સને ઝડપી પાડયા હતા. આ બનાવમાં 9 શખ્સની સંડાવણી બહાર આવી છે. હજુ બે આરોપીઓ ફરાર છે. આ ઉપરાંત કંડલામાં ડીઝલ ચોરીના કેસમાં ફરાર બે આરોપીઓને પણ પાંજરે પુર્યા હતા. બોર્ડર રેન્જ આઈ.જી. જે.આર.મોથાલિયા, પોલીસવડા મયૂર પાટિલની  સૂચનાની મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી. દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે આરોપીઓ અકબર ઉર્ફે અકુડો  હુસેન પરીટ, હાજી ભચુ નાગડા, રમજાન ઉર્ફે મુનિયો રફીક પઠાણ, કાદર જુસબ પરીટ, ફિરોજ જુસબ જુણેજા (રહે તમામ નાની ચીરઈ), અરજણ ઉર્ફે અર્જુન ઉર્ફે મોલી સામત જરૂ અને હીરા મોતીભાઈ કોલી (રહે બન્ને ગળપાદર તા. ગાંધીધામ)ને ઝડપી પાડયા હતા. આરોપીઓ ચીરઈમાં હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડયા હતા. સીતારામ એન્ડ પ્રા.લી. કંપનીના લાકડાના બેન્સામાંથી સાગવાનના રૂા. 7.87 લાખની કિંમતના 632 નંગ લાકડા  ચોરાયા હતા. તે પૈકી પોલીસે રૂા.4.82 લાખની કિંમતના 283 નંગ લાકડા કબ્જે કર્યા હતાં. આ કેસમાં ગળપાદરના શંભુ લખુ ડાંગર અને છગન ઉર્ફે વીર મારવાડીને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરાયાં છે. પોલીસે જી.જે.27 યુ. 0791 નંબરની બે લાખની કિંમતની જીપકાર પણ કબ્જે કરી છે. દરમ્યાન કંડલામાં પાઈપલાઈનમાંથી ડીઝલ ચોરીના બે બનાવ નોંધાયા હતાં. આ કેસમાં એલ.સી.બી.એ અકબર ઉર્ફે અકુડો હુસેન પરીટ અને હાજી ભચુ નાગડાને ઝડપી પાડયા હતા.આ કામગીરીમાં ઈન્ચાર્જ પી. આઈ. એસ. એસ.દેસાઈ, પી.એસ.આઈ. બી.જે.જોશી અને સ્ટાફ જોડાયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer