જિલ્લાને મળશે `કચ્છી સ્ટ્રોબેરી''નો સ્વાદ

પ્રશાંત પટેલ દ્વારા- ભુજ, તા. 12 : કચ્છના કર્મઠ કિસાનોના પરિશ્રમમાં પ્રયોગશીલતાનો ઉમેરો થયો છે. સાહસ અને સમજણ સાથે કંઇક નવું કરી બતાવવાની દૃષ્ટિવાન ધરતીપુત્રોની વૃત્તિએ ખેડૂત સમુદાયને નવી જ દિશા બતાવી છે. અભ્યાસુ, અનુભવી કિસાન અગ્રણીએ આવી જ પ્રયોગશીલતાની પ્રેરણા આપી છે. મીઠી-મધ જેવી, નરમ, લાલ ચટ્ટાક સ્ટ્રોબેરી સૌએ જોઇ, ખાધી હશે. આ સ્ટ્રોબેરી કચ્છમાં પણ થાય છે, તેવું કોઇ કહે તો....? માન્યમાં જ ન આવે. પરંતુ વાત સાવ સાચી છે અને આવનારા દિવસોમાં કચ્છીઓ `કચ્છી સ્ટ્રોબેરી'નો સ્વાદ ચાખશે તેની ગેરંટી. આવી ગેરંટી તાલુકાના રેલડી ગામમાં ઓટોમેશન સહિત અત્યાધુનિક ટેકનોલોજી સાથે બાગાયતની ખેતી કરતા આશાપુરા એગ્રો ફાર્મના સૂત્રધાર હરેશભાઇ મોરારજી ઠક્કરે આપી છે. છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી ખેતીનો ઊંડો અનુભવ ધરાવતા શ્રી ઠક્કરે બે એકરમાં 30 હજાર છોડ સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે. વાવેતરના 40 દિવસે સ્ટ્રોબેરીનો પાક મળવાનું શરૂ થઇ જાય છે. શ્રી ઠક્કર સ્ટ્રોબેરીની ખેતી પદ્ધતિની માહિતી આપતાં જણાવે છે કે સ્ટ્રોબેરી ઠંડીની શરૂઆતમાં જ એટલે કે સપ્ટેમ્બર-નવેમ્બરમાં વાવેતર કરવામાં આવે છે. એક એકરમાં સ્ટ્રોબેરીના 18 હજાર છોડનું વાવેતર થાય છે. તેમણે બે એકરમાં 30 હજાર છોડનું વાવેતર કર્યું છે. એક છોડ કમસેકમ 300 ગ્રામથી 1 કિલો સુધી ફળનો ઉતારો આપે છે. છોડ વાવેતર બાદ 40 દિવસે પાક આવવાનું શરૂ થાય છે. એક ફળ 50 ગ્રામ આસપાસ હોય છે. સ્ટ્રોબેરીના ભાવ બજારમાં પ્રતિ કિલો 200 રૂપિયાથી શરૂ થાય છે. હરેશભાઇ ઠક્કરે પોતાના ફાર્મમાં વિતેલાં વરસની 11મી નવેમ્બરના દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સ્ટ્રોબેરીનાં વાવેતરના શ્રીગણેશ કર્યા હતા. વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, સ્ટ્રોબેરીને કેળાં અને પપૈયાં જેવા પાકની સરખામણીમાં ખૂબ જ ઓછું પાણી જોઇએ છે. સ્ટ્રોબેરી ખૂબ નાજુક પાક છે. તેમને મલ્ચિંગ (પ્લાસ્ટિક કવર) કરવું ખૂબ આવશ્યક છે. ઠંડા પ્રદેશમાં પાકતી સ્ટ્રોબેરીના પાકને ઠંડક અને ભેજ પૂરતાં પ્રમાણમાં જોઇએ, એ હકીકત ધ્યાને લેતાં કચ્છ જેવા તપતા પ્રદેશમાં આ અતિ સંવેદનશીલ, નાજુક ફળને ભારે માવજત સાથે ઉછેરવું પડે છે. પાકના ખર્ચની વિગતો આપતાં જણાવે છે કે એક એકરે અંદાજિત દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે. પરંતુ ભાવ સારો હોવાથી અને ટૂંકા સમયમાં પાક આવવાનું શરૂ થઇ જતાં કચ્છના ખેડૂતોને આ પાકમાં મુશ્કેલી નહીં પડે. આંતરપાક તરીકે પણ લઇ શકાય એવો પાક છે. સ્ટ્રોબેરીનાં ઘરઆંગણે વાવેતરથી ઘણા લાભ થઇ શકે છે. ખાસ તો બહારથી આ મધૂરું ફળ લાવવામાં થતા પરિવહનખર્ચ તેમજ સમયની બચત કરી શકાય છે, ફળ બગડતું નથી. ઉપરાંત સ્થાનિકે જ બજાર પણ મળી રહે છે. ટૂંકમાં એવું જરૂર કહી શકાય કે, કચ્છમાં પ્રવાસન વિકસી રહ્યું છે ત્યારે પ્રવાસના હેતુથી જ મહાબળેશ્વર જેવાં સ્થળે જાય ત્યારે રસ્તામાં ગુલાબી ઠંડી વચ્ચે હાથમાં સ્ટ્રોબેરી લઇને વેચતા ખેડૂતો નજરે ચડે છે. બહારથી આવતા પ્રવાસીઓને કચ્છના માર્ગો પર `કચ્છી સ્ટ્રોબેરી' આકર્ષિત કરશે તેવા દિવસો હવે દૂર નથી.