લાકડિયા-આડેસર-રાધનપુર નેશનલ હાઈ-વેની હાલત ભંગાર

લાકડિયા-આડેસર-રાધનપુર નેશનલ હાઈ-વેની હાલત ભંગાર
રાપર, તા. 12 : ગત વર્ષે ચોમાસાના ભારે વરસાદે માર્ગ?અને મકાન વિભાગની પોલ ખોલી નાખી હોય તેમ રાજ્ય સરકાર અને પંચાયત હસ્તકના માર્ગ પર તો નુકસાન થયું હતું તે લગભગ રિફ્રેશમેન્ટ કરી પૂર્ણ કરી દેવાયું પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તેના કચ્છના પ્રવેશદ્વાર સમાન રાધનપુર- આડેસર - ચિત્રોડ - લાકડિયાનો માર્ગ ભંગાર હાલતમાં ફેરવાયો છે. આમાર્ગ બનાવવાને પંદર વર્ષથી વધુ સમય થયો છે. ઠેરઠેર ગાબડાં પડી ગયા છે જેમાં પૂરતી ભરતી કરવાને બદલે જેમ તેમ થીગડાં મારી દેવાયા છે. માખેલ અને વારાહી બે ટોલનાકા પર હાઈવે ઓથોરિટી ટોલ વસૂલ કરે છે પરંતુ વાહન માંડ માંડ પચાસથી સાઈડની સ્પીડે ચાલી શકે છે. ડામર ધોવાઈ જતાં કપચી કાંકરી સ્પષ્ટ દેખાય છે. ભ્રષ્ટાચારની પોલ ખોલી રહી છે. આ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં મરંમત કરાતી નથી. અધૂરામાં પૂરું આદિપુર સ્થિતિ નેશનલ હાઈવેની કચેરી પાલનપુર ખસેડવામાં આવતાં રજૂઆત ક્યાં કરવી તે પણ એક સવાલ છે. આ ઉપરાંત હોટલ અને પેટ્રોલ પંપને ફાયદો થાય તેમ ડીવાઈડર તોડી વાહન ક્રોસિંગ થાય તે રીતે બનાવી અપાયા છે તે દૂર કરવા જરૂરી છે. અનેક વખત આવા ડીવાઈડરને પગલે ગંભીર અકસ્માત થયા છે. માર્ગ પર જ્યાં સુધી મરંમત ન કરાય ત્યાં સુધી માખેલ અને વારાહી પાસે ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ થાય તેવી લોક માગણી ઉઠી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer