લોકડાઉને અનેક ભંગારવાળા-રિક્ષાચાલકોને શાકભાજીના ધંધે વાળ્યા

લોકડાઉને અનેક ભંગારવાળા-રિક્ષાચાલકોને શાકભાજીના ધંધે વાળ્યા
કૌશલ પાંધી દ્વારા-  ભુજ, તા. 12 : શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં વહેલી સવારે મોટી સંખ્યામાં છૂટક તથા હોલસેલ શાકભાજીના ધંધાર્થીઓ ગોઠવાતાં સમગ્ર વિસ્તાર જાણે શાક બજારમાં ફેરવાઇ જાય છે. જો કે, ત્રણ ચાર કલાકમાં જ આ બજારનો સંકેલો થવા સાથે છૂટક ધંધાર્થીઓ ભુજની અનેક શેરીઓ સહિત કચ્છનાં ગામડાંઓમાં વેચાણાર્થે નીકળી જાય છે. આ બજારમાં પ્રમાણમાં શાકભાજી, ફળ સસ્તા અને તાજાં મળતાં હોવાથી શહેરીજનો પણ મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડતાં ઉપરોકત સ્થળે ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ જોવા મળે છે.શિયાળાની ઋતુ એટલે સ્વાસ્થ્ય સુધારાની ઋતુ અને તેના માટે કસરત બાદ તાજાં શાકભાજી, ફળનું નામ આવે. આ મોસમમાં શાકભાજી મબલખ પ્રમાણમાં થતાં હોવાથી બજારો પણ તેનાથી ઊભરાતી હોય તેવા નજારા જોવા મળતા હોય છે. આવું જ એક સ્થળ ભુજના બસ સ્ટેશનના ગેટથી નવી શાકમાર્કેટ થઇ સ્ટેશન રોડ અને રાજન શો રૂમ સામેનો પટ્ટો જે શિયાળાની ઠંડી સવારમાં એમ કહો કે, આખે આખો શાકભાજીની બજારમાં ફેરવાઇ જાય છે.સવારે જ વાણિયાવાડમાં નવી શાકમાર્કેટ હોલસેલના ધંધાર્થીઓ માલ ઠાલવતાં જ મોટી સંખ્યામાં છૂટક ધંધાર્થીઓ ઉમટી પડે છે. શેરીમાં કે, બજારમાં વેચાતા શાકભાજીના ભાવ વહેલી સવારે પ્રમાણમાં ઓછા હોવાથી અનેક શહેરીજનો પણ શાક લેવા ઉમટી પડતાં પરોઢથી જ આ વિસ્તારમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી.જો કે, છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના ધંધાર્થીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે, કોરોનાના કપરા કાળની શરૂઆતે લોકડાઉન જાહેર થયું. જેને પગલે તમામ ધંધા-રોજગારને તાળાં લાગી ગયાં પરંતુ માત્ર શાકભાજી, ફળફળાદિ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓને જ છૂટછાટ અપાઇ. રોજીરોટીનાં સાધનને બ્રેક લાગતાં અનેક નાના ધંધાર્થીઓને પરિવારના નિભાવની ચિંતા સતાવવા લાગી. ખાસ કરીને ભંગારવાળા, કચરો વીણવાવાળા, રિક્ષાવાળાઓ માટે રોજગારી કેમ મેળવવી એવો સવાલ ખડો થયો.ઉપરોકત બાબતને પગલે અનેક ભંગારવાળા-કચરો વીણવાવાળાઓ શાકભાજીના વેચાણ તરફ વળ્યા. તો, રિક્ષાવાળાઓએ પણ તેમની રિક્ષાને શાકભાજીના ધંધા તરફ હંકારી હોલસેલમાં શાકભાજી ખરીદી અલગ-અલગ સ્થળે વેચાણ ચાલુ કર્યું. કચરો-ભંગાર એકત્ર કરી અને વેચવા જવા સહિતની હાડમારી કરતાં શાકભાજી-ફળના વેચાણમાં પરિવારનું ગુજરાન થઇ જવાથી શાકભાજીના વેચાણ કરવા માંડયા અને લોકડાઉન ખુલ્યા બાદ પણ મોટા ભાગનાએ આ વ્યવસાયને કાયમી બનાવી લીધો.અમુક અમદાવાદ કે, અન્ય શહેરોમાંથી પણ કચ્છ આવ્યા જેમાં ખાસ કરીને દેવીપૂજક, સથવારા સમાજના લોકો આ ધંધામાં જોડાયા.છૂટક વેપારીઓ બસ સ્ટેશન માર્ગેથી વહેલી સવારે હોલસેલમાંથી શાકભાજી, ફળ લઇ ત્યાં જ ઠેલો માંડી અને જેટલું વેચાણ થાય તેટલું કરી ભુજના અલગ-અલગ વિસ્તારોમાં અને કચ્છના ગામડાં તરફ વેચાણ અર્થે નીકળી જાય.  ધંધાર્થીઓમાં વધારા અંગે જાણવા પ્રયાસ કરતાં નવી શાકમાર્કેટ, રાજન શોરૂમ પાસે 300 ઉપર નોંધાયેલા ધંધાર્થીઓ  છે. જ્યારે લોકડાઉન બાદ છૂટક ધંધાર્થીઓમાં 200 આસપાસનો વધારો થયો હોવાનું સામાજિક કાર્યકર મહમદ લાખાએ જણાવ્યું હતું.માત્ર ચારથી પાંચ કલાક માટે મંડાતી ઉપરોકત બજારનો ભારે કોલાહલ આઠ વાગતાં તો સાવ જ શાંત પડી જાય છે અને આ વિસ્તારનું ચિત્ર આખું પલટાઇ જાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer