બહુમાળી ઇમારત ગંદકીથી બેહાલ

બહુમાળી ઇમારત ગંદકીથી બેહાલ
ભુજ, તા. 12 : અનેકવિધ સરકારી કચેરીઓ ધરાવતી અહીંની બહુમાળી ઈમારતના કર્મચારીઓ છેલ્લા છએક દિવસથી સાફસફાઈના અભાવે ફેલાયેલી ગંદકીથી ત્રાહિમામ બન્યા છે. કોરોનાકાળ અને સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે સંલગ્ન તંત્રોની લાસરાઈથી આખા સંકુલમાં કચરા અને ગંદકીનું સામ્રાજ્ય બીમારી નોતરી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ કહે છે કે સફાઈનો કોન્ટ્રાક્ટ 16મી જાન્યુઆરીએ પૂરો થાય એ પહેલા જ કોન્ટ્રાક્ટરે કામ મૂકી દેતાં તેને નોટિસ અપાઈ છે અને નવા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડરની પ્રક્રિયા ડિવિઝન ઓફિસે શરૂ થઈ ગઈ છે ખર્ચઅંદાજ તૈયાર છે અને વચગાળામાં સફાઈ માટે અલગથી કામદારોને કહી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જૂનો કોન્ટ્રાક્ટ 31મીએ પૂરો થઈ રહ્યો છે ત્યારે માર્ગ-મકાન વિભાગે બહુમાળીના કર્મચારીઓને કહ્યું કે હવે નવા નિયમ મુજબ તમારે જ પોતાની કચેરીઓને સાફસફાઈ કરાવવાની છે ! બહુમાળીના કર્મચારીઓ માટે એ ગૂંચવાડો સર્જાય છે કે તેના બિલ શેમાં આકારવા ? કેટલીય કચેરીઓ છે, કેટલાય રૂમો તો સ્ટોરરૂમ તરીકે વપરાય છે. હકીકતમાં જ્યાં સુધી નવો કોન્ટ્રાક્ટ અમલી ન બને ત્યાં સુધી માર્ગ-મકાન વિભાગે બહુમાળીમાં સફાઈની વ્યવસ્થા કરાવવી જ જોઈએ. બહુમાળી ભવન કર્મચારી મંડળી અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર બહુમાળીના કર્મચારીઓ સફાઈના નાણા ચૂકવી આપવા તૈયાર છે, પણ તેમને ટેન્ડર બહાર પાડવા વગેરેની પ્રક્રિયા ફાવે નહીં ત્યારે અમે માર્ગ-મકાન વિભાગને કહ્યું છે કે તેઓ નવો કોન્ટ્રાક્ટ કરાવે અને એની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી તરત બહુમાળીમાં સફાઈ ફરી શરૂ કરાવે. અમે આ સંદર્ભમાં સત્વરે સફાઇની રજૂઆત કરી છે. તો માર્ગ-મકાન વિભાગના અધિકારીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, નવા ટેન્ડર અને કોન્ટ્રાક્ટની પ્રક્રિયા શરૂ?થઇ ગઇ?છે. જૂનો કોન્ટ્રાક્ટ 31મીએ નહીં 10 જાન્યુઆરીએ પૂરો થવાનો હતો પણ કોન્ટ્રાક્ટરે કામ બંધ? કરી નાખતાં તેને પણ નોટિસ અપાઇ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer