ગાંધીધામમાં પતંગના સ્ટોલ્સ અડચણરૂપ

ગાંધીધામ,તા.12: આ પંચરંગી સંકુલમાં મકરસંક્રાતિ નિમિત્તે ઠેર ઠેર પતંગ,ચરખીના સ્ટોલ ગોઠવાઈ ગયા છે.આ તમામ સ્ટોલ ટ્રાફિક માટે રીતસર માથાના દુ:ખાવા સમાન છે.આવા લોકો પાસેથી પાલિકાએ નિયમ મુજબ વેરા લેવાના થતા હોય છે પરંતુ આ વર્ષે ગમે તે કારણે પાલિકાએ વેરા ઉઘરાવ્યા નથી. કોઈ પણ તહેવાર આવે ત્યારે આ સંકુલમાં કયાંય પણ તંબુ બાંધવામાં આવે તો નિયમ અનુસાર પાલિકાએ આવા લોકો પાસેથી વેરા લેવાના થતાં હોય છે. હાલમાં મકરસંક્રાતિ નિમિત્તે પાલિકાએ તા.12 થી 14 દિવસ એટલે ત્રણ દિવસનું ભાડું ઉઘરાવવાનું નક્કી કર્યુ છે. પરંતુ અહીં આ સંકુલમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી આવા અનેક તંબુ બંધાઈ ગયા છે તેમ છતાં પાલિકાએ એકેય વેપારી પાસેથી આવા વેરા ઉઘરાવ્યા નથી જેથી અહીંના લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. ઠેર ઠેર ગોઠવાયેલા આવા તંબુ ટ્રાફિક માટે સિરદર્દ સમાન થઈ પડયા છે.તેવામાં પોલીસ પણ હાથ ઉપર હાથ રાખીને બેઠી હોવાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આવા તંબુઓને કારણે અહીં રીતસર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ખરેખર આવા સ્ટોલ માટે દિવાળીની જેમ અલાયદી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી ચર્ચા જાગૃત નાગરિકોમાં થઈ રહી છે.