કચ્છના પશુપાલકને રાજ્યકક્ષાનો એવોર્ડ

કચ્છના પશુપાલકને રાજ્યકક્ષાનો એવોર્ડ
ભુજ, તા. 12 : દર વર્ષે રાજ્યના પશુપાલન વિભાગ, ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે ભુજ તાલુકાના ચુબડક ગામના અશોકભાઈ ચમનલાલ શર્માએ રાજ્યકક્ષાએ ત્રીજા ક્રમ સાથે શ્રેષ્ઠ પશુપાલક તરીકેનો એવોર્ડ મેળવ્યો છે. કચ્છ જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એવોર્ડના વિતરણની કામગીરીનું અમલીકરણ  નાયબ પશુપાલન નિયામકની  કચેરી, ઘનિષ્ઠ પશુ સુધારણા, કચ્છ-ભુજ દ્વારા કરવામાં આવશે. જેમાં દર વર્ષે એપ્રિલ માસમાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની થાય છે. 15થી વધુ શુદ્ધ ઓલાદના પશુઓ ધરાવતા પશુપાલકો ઓનલાઇન અરજી કરી શકે છે. કચ્છ જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલી અરજીઓની  જિલ્લાકક્ષાની કમિટી દ્વારા પશુ સંવર્ધન-કૃત્રિમ બીજદાન, પશુની ઓલાદ સુધારવા માટે, પશુ આરોગ્ય-વિવિધ રોગો સામે રસીકરણ કરાવવું, પશુ માવજત-પાકા શેડ પશુઓ માટે બનાવવા જેથી  પશુઓ ને ઠંડી, ગરમી અને ચોમાસામાં રક્ષણ મળી રહે અને પશુ પોષણ-પશુઓને સમતોલ આહાર આપવો તથા પશુઓને તંદુરસ્તી જાળવી રાખવા મિનરલ મિક્ષ્ચર પાઉડર આપવો. આ તમામ મુદ્દાઓ ધ્યાને લઇ  આધુનિક અભિગમ સાથે પશુપાલન કરતા પશુપાલકોને અગ્રતાક્રમ આપી તાલુકાના શ્રેષ્ઠ પશુપાલક પસંદ કરવામાં આવે છે. નાયબ પશુપાલન નિયામક ડો. વી.ડી. રામાણી, મદદનીશ પશુપાલન નિયામક ડો. વી. જે. પટેલ તથા પશુચિકિત્સા અધિકારી ડો. ડી.જે. ઠાકોર તથા દરેક તાલુકાના કચેરીના પશુધન નિરીક્ષકો દ્વારા કચ્છ જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક કામગીરીનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2020-21નો રાજ્યનો તૃતીય કક્ષાનો એવોર્ડ રૂા. 20,000 ભુજ તાલુકાના ચુબડક ગામના અશોકભાઇ ચમનલાલ શર્માને મળ્યો હતો. જેમને રૂા. 20 હજાર પુરસ્કાર તરીકે અપાયા હતા. ઉપરોકત એવોર્ડ ધારાસભ્ય નીમાબેન આચાર્ય હસ્તક આપવામાં આવ્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer