ખેતીવાડીમાં મીટરપ્રથાને મરજિયાત કરવા કિસાન સંઘની માંગ

ખેતીવાડીમાં મીટરપ્રથાને મરજિયાત કરવા કિસાન સંઘની માંગ
ભુજ, તા. 12 : જિલ્લાના ખેતીવાડી ફીડરમાં મીટરપ્રથાને મરજિયાત કરવા માટે ભારતીય કિસાન સંઘે માગણી કરી છે.ઊર્જામંત્રીને સંબોધીને લખાયેલું આવેદન વીજતંત્રના વડાને સુપરત કરવામાં આવ્યું હતું. મીટરવાળા જોડાણમાં 50 અને 70 પૈસા યુનિટદીઠ ચાર્જ વસૂલાય છે. અવાર-નવાર શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ કારણોસર મીટર, સર્વિસલાઇન, સ્ટાર્ટર બળી જાય છે. બળેલા મીટરની રકમ ખેડૂતો પાસેથી વસૂલાતી હોવા સાથે જો આ દરમિયાન ચેકિંગ આવી જાય તો મોટો દંડ પણ ભરવો પડે છે. મીટર કે સર્વિસલાઇન બળી જાય તેનો ત્વરિત ઉકેલ ન લવાતાં આઠ કલાક પૂરતો વીજપુરવઠો ન મળતાં પાકને પણ નુકસાન થાય છે. કિસાન સંઘના જિલ્લા પ્રમુખ શિવજીભાઇ બરાડિયાની આગેવાની તળે ખેડૂત અગ્રણીઓએ પાઠવેલા આવેદનમાં મીટરપ્રથા મરજિયાત કરવાથી કંપની-સરકારની આવકમાં વધારો થશે અને ખેડૂતોને પડતી નુકસાનીનો  કાયમી ઉકેલ આવી જશે તેમ જણાવી આ અંગે યોગ્ય નિર્ણય લેવાની લાગણી વ્યકત કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer