મીડિયા સંગઠન-સરકારની કામગીરીનું દર્પણ

મીડિયા સંગઠન-સરકારની કામગીરીનું દર્પણ
ભુજ, તા. 12 : કચ્છ જિલ્લા ભાજપનો મીડિયા વર્કશોપ યોજાયો હતો. જેમાં ઝોન પ્રવક્તા પંકજભાઈ મહેતા અને ઝોન મીડિયા કન્વીનર ડો. હેમંતભાઈ ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને અનુલક્ષીને કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓની વાત અસરકારક રીતે મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકવાના હેતુથી જિલ્લા ભાજપ દ્વારા આજે જિલ્લા સ્તરનો મીડિયા વર્કશોપ યોજાયો હતો. જેમાં આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી રણનીતિ બાબતે મનોમંથન કરાયું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલની ઉપસ્થિતિવાળી આ બેઠકમાં શ્રી મહેતા, ડો. ભટ્ટ તેમજ કર્ણાવતી મહાનગર મીડિયા કન્વીનર ડો. અમિતભાઈ જ્યોતિકરે માર્ગદર્શન પૂરું પાડયું હતું. બેઠકને સંબોધતાં શ્રી ચાવડાએ જણાવ્યું કે, સાંપ્રત સમયમાં મીડિયાનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં. લોકશાહીના ચોથા સ્તંભ સમાન ગણાતું મીડિયા એ સંગઠન અને સરકારની કામગીરીનું સાચું દર્પણ છે. મીડિયાની ઉપયોગીતા અનિવાર્ય છે. ત્યારે યોજનાઓની ફળશ્રુતિ અને સંગઠનની સૂક્ષ્માતિસૂક્ષ્મ કામગીરીનો સચોટ અહેવાલ નિયમિતપણે મીડિયા સુધી પહોંચતાડતા રહેવો જોઈએ. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું કે, સચોટ મીડિયા મેનેજમેન્ટ એ કોઈ પણ ચૂંટણી જંગ જીતવા માટેના ચાવીરૂપ ઘટકો પૈકીનું એક છે. મીડિયાને શાસક અને પ્રજા વચ્ચેની જોડતી કડી ગણાવી હતી. ઝોન પ્રવક્તા પંકજભાઈએ `મીડિયાનું મહત્ત્વ' વિષયે માર્ગદર્શન આપતાં કહ્યું કે, મીડિયા એ સંગઠનનું અભિન્ન અંગ છે. ચૂંટણી સમયે ડિબેટ અને ચોરા જેવા કાર્યક્રમોમાં પૂર્ણપણે સજ્જ થઈને પક્ષની રજૂઆત ખૂબ માહિતીસભર અને પ્રભાવી રીતે કરવી જોઈએ. વિચાર, વાતાવરણ અને વ્યવસ્થા એ કોઈ પણ ચૂંટણી જંગમાં વિજયને વરવા માટેના આવશ્યક પાસાઓ છે એવું ઉમેર્યું હતું. ઉત્તર ઝોન કન્વીનર ડો. હેમંતભાઈએ `મીડિયા વ્યવસ્થાપન અને કામગીરી' વિષયે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, મીડિયાની જવાબદારી સંભાળતા લોકોએ પોતાની જાતને અદ્યતન બનાવી રાખવી જરૂરી છે.અખબારી યાદી તૈયાર કરતી વખતે કઈ રીતે સર્વાંગી બાબતોનો સમાવેશ કરી શકાય એ વિશે જણાવ્યું હતું. કર્ણાવતી મહાનગર મીડિયા ઈન્ચાર્જ ડો. જ્યોતિકરે જણાવ્યું કે, મીડિયા વ્યવસ્થા સંભાળતા લોકો એ પક્ષ માટે ખરા અર્થમાં પડદા પાછળના ખેલાડીઓ છે. સ્વાગત પ્રવચન જિલ્લા મીડિયા ઈન્ચાર્જ ઘનશ્યામભાઈ ઠક્કરે જ્યારે એકલધામ જાગીરના મહંત દેવનાથ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા. આ વર્કશોપમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા યુવા મોરચાના પ્રભારી પવનભાઈ ચૌધરી, પ્રવીણભાઈ માલી, જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઈ ગોર વિ. ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા મીડિયા વિભાગના ભૌમિક વચ્છરાજાની, શહેર ભાજપ ઉ.પ્ર. જયંત ઠક્કર, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કમલ ગઢવી વિ.એ જહેમત ઉઠાવી હોવાનું જિલ્લા ભાજપ મીડિયા સહ ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer