યુવાઓના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજી

યુવાઓના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજી
ભુજ, તા. 12 : યુવાઓના પ્રેરણાસ્રોત અને 19મી સદીના યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ભાવસભર ઉજવણી થઇ હતી. પ્રતિભાને હારતોરા, ભાવવંદના, ચિત્ર સ્પર્ધા, બાઇક રેલી તથા પુષ્પાંજલિ કાર્યક્રમો ઠેર-ઠેર યોજાયા હતા. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી ભુજ નગર- પાલિકાના મુખ્ય અધિકારી નીતિન એન. બોડાત દ્વારા હોટલ લેકવ્યૂ પાસે આવેલી સ્વામીજીની પ્રતિમા ઉપર હારારોપણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના હેડ કલાર્ક જયંત લિમ્બાચિયા, સ્ટોરકીપર દક્ષેશ ભટ્ટ, માધાપરના દીપકભાઇ સોલંકી, આર.એસ.એસ.ના કાર્યકર દ્વારા પણ હારારોપણ થયું હતું. ભુજના પ્રાકૃતિક પુનિત વનમાં ચાલી રહેલી યોગા શિબિરમાં સાધકો દ્વારા યુવાઓના પ્રેરણાસ્રોત અને 19મી સદીના યુગપુરુષ સ્વામી વિવેકાનંદજી દ્વારા થયેલાં આધ્યાત્મિક કાર્યોને યાદ કરીને વંદના કરવામાં આવી હતી. પતંજલિ યોગ સમિતિ, પુનિત વન ગ્રુપ, યોગ મહાસંઘ તથા આઇએનઓ સંસ્થાના યેગરસિકોની સાથે શિબિરના કોચ યોગ વિજયભાઇ કે. શેઠ (મોનાણી)ના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ અવસરે શ્રી શેઠે વિવેકાનંદજીએ યોગ ક્ષેત્રે આપેલાં પ્રદાનને અવિસ્મરણીય ગણાવ્યું હતું. શહેરની સત્યમ સંસ્થા દ્વારા વિવિધ સેવાકાર્યો સાથે ઉજવણી થઇ હતી. આ તકે બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી અને તમામ વિજેતાઓને ભાગ લેનારાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યાં હતાં, આ ઉપરાંત ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને અલ્પાહાર અને સાથોસાથ માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને હારતોરાના કાર્યક્રમમાં સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણી, હેતલબેન પરમાર, દક્ષાબેન બારોટ, નીતાબેન શાહ, યશ્વી શાહ, જિલ્લા હોમગાર્ડના માજી કમાન્ડર જગદીશભાઇ મહેતા, વિનોદભાઇ ગોર, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના ભૂતપૂર્વ પ્રમુખ નયનભાઇ શુક્લ તેમજ રોયલ ફાઉન્ડેશનના અનવરભાઇ નોડે તેમજ પૂર્વ ચેરમેન ભરતભાઇ રાણા અને ફકીરમામદ કુંભાર અન્યો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ રવિભાઇ ત્રવાડીએ શુભેચ્છા આપી હતી. ભુજના બાલ વિવેકાનંદજી મંડળ દ્વારા અને સંસ્કૃત-ગીતાજી કેન્દ્ર દ્વારા વંદના બાદ ભુજના સાત સફાઇ કામદારોનું વિશેષ બહુમાન ભાવિનભાઇ ગોર, વિશ્રામભાઇ બારોટ અને સેવનભાઇ જેઠીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કપડાંનું વિતરણ થયું હતું. દર્શનાબેન મુનશી અને ઇલાબેન છાયાએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન વી.એન. અંતાણીએ અને  આભાર દર્શન અનુપમભાઇ શુક્લે કર્યા હતા. રાપરમાં વિવિધ સંસ્થાઓ અને ભાજપ દ્વારા થયેલી ઉજવણીમાં શહેરમાં બાઇક રેલી તેમજ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. રાપર શહેર અને તાલુકા ભાજપના આગેવાનો નશાભાઇ દૈયા, ઉમેશ સોની, મેહુલ જોશી, લાલજીભાઇ કારોતરા, ધર્મેન્દ્ર કચ્છી, રશ્મિભાઇ દોશી, રામજીભાઇ પીરાણા, કમલસિંહ સોઢા વિગેરે જોડાયા હતા. સ્વામી વિવેકાનંદના આદર્શને યાદ કરી જન્મદિવસની ઉજવણી થઇ હતી. રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠિયાના રાપર દેના બેંક ચોક સ્થિત કાર્યાલય મધ્યે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર, યુવાનોના પ્રેરણાસ્રોત અને આધ્યાત્મિક ગુરુ ભારત વર્ષના મહાપુરુષ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે રાપર વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અપાઇ હતી. કોંગ્રેસ પરિવારના જિલ્લા કોંગ્રેસ મંત્રી ભીખુભાઇ સોલંકી, સહદેવસિંહ જાડેજા, રોહિતભાઇ રાજદે, ધવલભાઇ સુથાર, રામચંદ્ર સાધુ વગેરે કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુંદરા યુવા ભાજપ તથા શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે કરવામાં આવી હતી. બાઇક રેલી તથા પુષ્પાંજલિના કાર્યક્રમમાં આર.ડી. હાઇસ્કૂલના રાજીવ ત્રિવેદી સહિતનાના વકતવ્યોમાં સ્વામી વિવેકાનંદજીના પ્રસંગોની ઝીણવટભરી માહિતી અપાઇ હતી. જિલ્લાના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, જયંતભાઇ માધાપરિયા, છાયાબેન ગઢવી, વિશ્રામભાઇ ગઢવી, શક્તિસિંહ  જાડેજા, પ્રણવ જોશી, કુલદીપસિંહ જાડેજા, કિશોરસિંહ પરમાર સહિતનાઓએ બાઇક રેલીને લીલીઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો. આ ટાંકણે ધર્મેન્દ્ર જેશર, વિજયસિંહ જાડેજા, ભુપેન મહેતા, ચાંદુભા જાડેજા, ભાવનાબેન બારોટ, દિલીપ ગોર, ડાયાલાલ આહીર સહિતના વિશાળ સંખ્યામાં જોડાયા હતા. અંજાર શહેર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે તેમની પ્રતિભા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આડાના પૂર્વ ચેરમેન અને કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ પી. શાહ, પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઇ જે. કોડરાણી, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ કાનજીભાઇ જીવાભાઇ આહીરે અંજાર તાલુકા ભાજપ યુવા પ્રમુખ રણછોડભાઇ વાસણભાઇ આહીર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજેશભાઇ વી. ઠક્કર વિગેરેએ ઉપસ્થિત રહી વકતવ્યો આપ્યા હતા.આ કાર્યક્રમમાં મયૂરભાઇ ખીમજીભાઇ સિંધવ, અશ્વિનભાઇ સોરઠિયા, જયશ્રીબેન મહેતા, હર્ષાબેન ત્રિવેદી, ક્રિષ્નાબેન જોશી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંજાર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે હારારોપણ કરીને વંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિપક્ષી નેતા જિતેન્દ્ર ચોટારા, કચ્છ જિલ્લા મંત્રી દિલીપસિંહ ઝાલા, ઉપાધ્યક્ષ જયેશ મારાજ, જગદીશ દરજી, ભાણજી મહેશ્વરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અંજાર કાયસ્થ જ્ઞાતિ દ્વારા કાયસ્થ રત્ન વિશ્વ યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારારોપણ કરી ભાવવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે જ્ઞાતિપ્રમુખ તેજસ એસ. મહેતા, અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના મહિલા પાંખના ઉપપ્રમુખ જયશ્રીબેન  મહેતા, પરાગભાઇ મહેતા, સંજયભાઇ મહેતા, નરેન્દ્રભાઇ મહેતા, મહેન્દ્રભાઇ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શિક્ષણવિદ્ વિરાજબેન દેસાઇએ કર્યું હતું. કેરા-કુંદનપર સંસ્થા ખાતે સંસ્થાના પ્રમુખ  વિનોદભાઇ લાલજીભાઇ પંચાણીના અધ્યક્ષ સ્થાને ઉજવણી થઇ હતી. જેમાં ખજાનચી અલ્પેશભાઇ મેપાણી, વેલજીભાઇ કેરાઇ, નરેન્દ્રભાઇ ભોજાણી, સહદેવસિંહ જાડેજા, સુલતાન, ચંદ્રસિંહ જાડેજા, વિનોદ કેરાઇ વિગેરે ટ્રસ્ટીઓ, હાઇસ્કૂલના આચાર્ય બ્રિજેશભાઇ ઠક્કર, આઇટીઆઇના આચાર્ય જે.ડી. રૂપારેલ, પ્રાથમિક શાળાના આચાર્ય ચંદ્રિકાબેન કેરાઇ, અંગ્રેજી શાળાના આચાર્ય નીતાબેન હાલાઇ, કે.જી. વિભાગના આચાર્ય પ્રીતિબેન, બાલમંદિરના આચાર્ય તારાબેન દ્વારા હાજર રહી સ્વામીજીને પુષ્પાંજલિ આપવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી પાંચાણી દ્વારા સ્વામીજીના જીવનના પ્રસંગો વર્ણવાયા હતા. આઇટીઆઇ વિભાગના તાલીમાર્થીઓ માટે સ્વામીજીના જીવન પર ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 62 તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનારા દરેક તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer