ગાંધીધામની હોટેલને પ્રવાસનના પુરસ્કાર

ગાંધીધામની હોટેલને પ્રવાસનના પુરસ્કાર
ગાંધીધામ, તા. 12 : રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત ટૂરિઝમ એવોર્ડ્સ સમારોહમાં કચ્છની સૌપ્રથમ પંચતારક હોટેલ રેડિસન કંડલાને ત્રણ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. હોટેલને સતત ચોથા વર્ષે પણ  પુરસ્કારો મેળવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા અને રાજયકક્ષાના પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહીરની ઉપસ્થિતિમાં પુરસ્કાર વિતરણ સમારોહ  યોજાયો હતો. હોટેલ રેડિસન કંડલાને બેસ્ટ બિઝનેસ હોટેલ, બેસ્ટ ફેમિલી કલબ અને બેસ્ટ ટ્રેડિશનલ રેસ્ટોરન્ટના  પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. હોટેલ મેનેજર મુરલી ઝાએ આ પુરસ્કાર સ્વીકાર્યા હતા. હોટેલના મેનેજિંગ ડિરેકટર  મુકેશ આચાર્યએ આ પુરસ્કાર મળવાની બાબતને ગૌરવપૂર્ણ લેખાવી હતી. અમારું કામ અમે નિષ્ઠાપૂર્વક કરી રહ્યા હોવાની ખાતરી આ પુરસ્કારો થકી મળતી હોવાની લાગણી વ્યકત કરી હતી. આ સન્માન થકી ગ્રાહકોને ઉચ્ચતમ સેવા આપવાની પ્રેરણા મળતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. હોટેલના મેનેજર મુરલી ઝાએ જણાવ્યું હતું કે રેડિસન કંડલા ભારતની 56મી અને ગુજરાતની સૌપ્રથમ હોટેલ છે. જુલાઈ 2012થી કાર્યરત હોટેલમાં 117 રૂમ છે. ત્રણ હજાર અને દશ હજાર સ્કવેરફીટના બેન્કવે હોલ છે. હોટેલ કલબની પણ સુવિધા આપે છે. જેમાં અમદાવાદની પ્રતિષ્ઠિત કર્ણાવતી અને રાજપથ કલબ કક્ષાની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોટેલમાં 90 ટકા એલ.ઈ.ડી. લાઈટ ઉપયોગમાં લેવાઈ છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer