ખેડોઈ નજીક વાડીમાંથી 6.51 લાખનો દારૂ આર.આર.સેલે ઝડપતાં ચકચાર

ખેડોઈ નજીક વાડીમાંથી 6.51 લાખનો દારૂ આર.આર.સેલે ઝડપતાં ચકચાર
ગાંધીધામ, તા. 12 : સરહદી રેન્જની આર.આર.સેલની ટીમે અંજાર તાલુકાના ખેડોઈ નજીક માન કંપની સામે આવેલી એક વાડીમાંથી રૂા.6,51,060નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડયો હતો. જો કે આ દરોડામાં બે આરોપી પોલીસના હાથમાં આવ્યા નહોતા. બીજો દરોડો ગાંધીધામનાં સેકટર 7માં પાડવામાં આવ્યો હતો. અહીં એક પ્લોટમાંથી રૂા. 61,200નો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પરંતુ અહીં પણ બે આરોપી પોલીસની પકડમાં આવ્યા નહોતા. આર.આર.સેલની ટીમ આજે વહેલી પરોઢે અંજારના ખેડોઈ બાજુ પેટ્રોલિંગમાં હતી તેવામાં ખેડોઈ નજીક આવેલી માન કંપની સામેના ભાગે આવેલી એક વાડીમાં દારૂ હોવાની સચોટ બાતમીના આધારે પોલીસે આ વાડીમાં છાપો માર્યો હતો. આ વાડીમાં આવેલા દાડમના વાવેતર નજીક શેઢા પાસે ઘાસ ઉઠાવીને નીચે જોવાતાં તેમાંથી દારૂની પેટીઓ નીકળી પડી હતી. અહીંથી ઈમ્પીરિયલ બ્લૂ હેન્ડ પિકેડ, ઓફિસર ચોઈસ,પાસપોર્ટ સ્કોચ બ્લેન્ડેડ, સિગ્નેચર એર એઝ, બ્લેન્ડર્સ પ્રાઈડની 750 એમ.એલ.ની 1631 બોટલ એમ કુલ રૂા.6,51,060નો શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો. અહીં આ દારૂ રાખનારા ખેડોઈના રૂષીરાજસિંહ નરપતસિંહ જાડેજા, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સો પોલીસના હાથમાં આવ્યા નહોતા. અહીંથી દારૂ, એક કાર, બે બાઈક લાઈટ બિલ વગેરે મળીને કુલ રૂા.9,76,560નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સેલની આ સફળ કામગીરીથી હવે કોની જવાબદારી બેસાડાય છે અને કોની વિકેટ પડે છે તે જોવાનું રહ્યું તેવો ગણગણાટ પોલીસ બેડામાં થઈ રહ્યો છે. વધુ એક કામગીરી ગાંધીધામના સેકટર 7 વિસ્તારમાં પ્લોટ નંબર 331માં કરવામાં આવી હતી. અહીંથી પોલીસે સુપીરિયર, એપીસોડ ગોલ્ડની 168 બોટલ તથા બિયરના 24 ટીન એમ કુલ રૂા.61,200નો શરાબ હસ્તગત કર્યો હતો. આ દરોડા દરમ્યાન મોસાદિક કરીમ સુકુર મિયાં નાસી જવામાં સફળ રહ્યો હતો જયારે પ્લોટ ધારક દીપક નરેશ દનિચા નામનો શખ્સ પણ પોલીસના હાથમાં આવ્યો ન હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer