સુપ્રીમે કૃષિ કાયદા રોકયા, આંદોલન નહીં રોકાય

નવી દિલ્હી તા.12 : છેલ્લા દોઢ માસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન અને કેન્દ્ર સરકાર સાથે 8 તબક્કાની નિષ્ફળ વાતચીત વચ્ચે સુપ્રીમ કોર્ટે મંગળવારે વચગાળાના આદેશમાં કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા 3 કૃષિ કાયદા પર વચગાળાનો સ્ટે લગાવી ખેડૂતોની ફરિયાદો પર ધ્યાન આપવા ચાર સભ્યની એક સમિતિ ઘડી છે. અલબત્ત, કિસાન સંગઠનોએ  આ સમિતિમાં કૃષિ કાયદાના સમર્થકોને રાખ્યા હોવાનો દાવો કરીને કહ્યું હતું કે, અમે તેમની સાથે વાતચીત કરશું નહીં. લડત જારી રહેશે. બીજી તરફ કોંગ્રેસે પણ સમિતિ સામે સવાલ ઉઠાવીને કહ્યું હતું કે, ચારેય સભ્યનો અભિપ્રાય તો અગાઉ સૌ જાણે છે. આમ, આંદોલનનો ત્વરિત ઉકેલ આવે તેવી શક્યતા ઓછી છે. નવા કૃષિ કાયદાનો અમલ અટકાવવા સાથે સુપ્રીમ કોર્ટે મામલાનો ઉકેલ લાવવા 4 સદસ્યની એક કમિટી બનાવી છે.  જેમાં કૃષિ અર્થતંત્રના નિષ્ણાતો અશોક ગુલાટી, ડો. પ્રમોદ કે. જોશી, ભારતીય કિસાન યુનિયનના ભૂપીન્દરસિંહ માન અને શેતકરી સંગઠનના અનિલ ધનવર સામેલ છે. ર6મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે આંદોલનકારી ખેડૂતો દ્વારા ટ્રેકટર રેલી પર રોક લગાવવા કેન્દ્રએ કરેલી અરજી પર રપમીને સોમવારે કોર્ટ સુનાવણી કરશે. ખેડૂત સંગઠનોને આ મામલે એક નોટિસ જારી કરવામાં આવી છે. કેન્દ્રએ લાગુ કરેલા કૃષિ કાયદા વિરુદ્ધ કરવામાં આવેલી અરજીઓ અને દિલ્હી સરહદે ખેડૂતો દ્વારા જારી આંદોલન મામલે સુપ્રીમ  કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. દરમિયાન કોર્ટે કહયુ કે અમે જનતાના જીવન અને સંપત્તિના રક્ષણ માટે ચિંતિત છીએ. કોઈ તાકત અમોને નવા કૃષિ કાયદા પર જારી વિરોધને સમાપ્ત કરવા માટે સમિતિ ઘડવાથી રોકી ન શકે. તેને સમસ્યાનું સમાધાન કરવા કાયદાને રદ કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે ખેડૂતો પાસે સહયોગ માગ્યો કે કૃષિ કાયદા પર જે લોકો સમાધાન ઈચ્છે છે તે સમિતિ પાસે જશે. આ રાજકારણ નથી રાજકારણ અને ન્યાયતંત્રમાં ફેર છે અને તમારે સહયોગ આપવો જ પડશે. ખેડૂતો જો સરકાર પાસે જઈ શકે તો સમિતિ પાસે કેમ નહીં ? જો તેઓ સમસ્યાનું સમાધાન ઈચ્છતા હોય તો અમે એ સાંભળવા નથી ઈચ્છતા કે ખેડૂતો સમિતિ સમક્ષ જવા નથી ઈચ્છતા. અચોક્કસ મુદતના પ્રદર્શનથી ઉકેલ નહીં આવે. અમે ઈચ્છીએ છીએ કે ખેડૂતો સમિતિ પાસે જાય. ખેડૂતોની જમીન વેંચાઈ જવા મામલે આશંકા દૂર કરતાં કોર્ટે પૂછયું કે આવુ કોણ કહે છે વચગાળાના આદેશમાં અમે કહેશું કે જમીન અંગે કોઈ કોન્ટ્રાકટ નહીં થાય. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછયુ કે શું પ્રતિબંધિત સંગઠન આંદોલનને મદદ પહોંચાડી રહયું છે ? જેના પર કેન્દ્રએ કોર્ટને કહયું કે દિલ્હી સરહદે ખેડૂત પ્રદર્શનોમાં ખાલિસ્તાની સામેલ થઈ ગયા છે. ત્યાર બાદ કોર્ટે આગળના આદેશ સુધી વિવાદાસ્પદ ત્રણેય કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી દીધી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer