રાજ્યની નવી પ્રવાસન નીતિ જાહેર

અમદાવાદ, તા. 12 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્ય સરકારે આજે ગુજરાતની નવી પ્રવાસન નીતિ જાહેર કરી છે. આ નીતિ અંતર્ગત પ્રવાસનનો વિકાસ કરવા માટે વિવિધ ક્ષેત્રમાં 15થી 20 ટકા સબસિડીની જાહેરાત કરી છે. તો સાથે જ નવી પોલિસીમાં વર્લ્ડ ક્લાસ પ્રવાસન પર ભાર મૂકાયો છે. આમ, વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્યાતિમાં હવે નવો કિર્તિમાન ગ્લોબલ ચોઇસ ફોર પ્રવાસન પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ગુજરાત નવી પ્રવાસન નીતિ  ર0ર1-રપની જાહેરાત કરવામાં આવી છે. તેમણે  ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા, સૂત્ર નવી પ્રવાસન નીતિને ચરિતાર્થ કરશે એમ જણાવી ઉમેર્યુ હતું કે, દ્વારકા પાસે આવેલા શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચને વિશ્વની માન્યતા મળી છે ત્યારે આગામી દિવસોમાં શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચને વિકસાવવામાં આવશે. એ સિવાય કચ્છના સમગ્ર જિલ્લાનો નવી નીતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેર કરાયેલી નવી નીતિમાં કેરેવાન ટૂરિઝમ, મેડિકલ ટૂરિઝમ, વેલનેસ ટૂરિઝમ, એમઆઇસીઇ ટૂરિઝમ, એડવેન્ચર એન્ડ વાઇલ્ડ લાઇફ ટૂરિઝમ, કોસ્ટલ એન્ડ ક્રુઝ ટૂરિઝમ, રિલિજીયસ ટૂરિઝમ તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રવાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.  જેના થકી રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા થશે જાહેર કરવામાં આવેલી આ નવી પ્રવાસન નીતિ  તા.1 જાન્યુઆરી-ર0ર1 થી તા.31 માર્ચ-ર0રપ સુધી અમલમાં રહેશે. રૂપાણીએ આ નવી પ્રવાસન નીતિને રજૂ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિમાં વોકલ ફોર લોકલ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ છે.  વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી મહત્વપૂર્ણ સાબિત બનશે. સાથે તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ નીતિ પ્રવાસન ક્ષેત્રે ઇઝ ઓફ ડુંઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપશે. આ નીતિ અંતર્ગત રાજ્યસરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોમાં ઇવ્હીકલની ખરીદી પર 15 ટકાની સબસીડી, ઇવ્હીકલ માટે પબ્લીક ચાર્જિગ સ્ટેશનનું નિર્માણ કરવા માટે 25 ટકા કેપિટલ સબસીડી, ટૂર ઓપરેટર્સ માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન મેળવવા માટે ચૂકવાયેલી ફીના 50 ટકા રીઇમ્બર્સમેન્ટ આપવામાં આવશે. સૌથી મહત્વની બાબત એ છે કે, વિદેશમાં ચાલતાં કેરેવાન ટૂરિઝમને વિકસાવવા માટે નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. જેમાં 15 ટકા સબસીડી અથવા વધુમાં વધુ 10 લાખની સહાય રાજ્યસરકાર ચૂકવશે.  વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે રાજ્યસરકાર દ્વારા નક્કી કરાયેલી હોટેલમાં રોકાણ કરાશે તો 5 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત વિદેશી પ્રવાસી ગરવી ગુજરાતમાંથી ખરીદી કરશે તો 10 ટકા ડિસ્કાઉન્ટ અથવા વધુમાં વધુ 20 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એ જ રીતે ગુજરાતમાં આવેલા વિશાળ જળસ્ત્રોતનો લાભ મેળવવા માટે રીવરક્રુઝ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે 15 ટકા કેપિટલ સબસીડી પરંતુ મહત્તમ રૂા.25 લાખ સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે.  હોટલ અને રિસોર્ટ ઇન્ડસ્ટ્રીઝને પ્રાધાન્ય આપવા માટે 2015-20ની નીતિમાં 50 કરોડના રોકાણ સુધી 15 ટકા સબસીડી અપાતી હતી તેમાં હવે નવી નીતિમાં રોકાણની મર્યાદા કાઢી નાખવામાં આવી છે જો કે તેમાં જમીનની કિંમતનો સમાવેશ થશે નહીં અને હવેથી હાઇ પ્રાયોરીટીમાં બનતા રિસોર્ટ અને હોટેલને 20 ટકા કેપિટલ સબસીડી આપવામાં આવશે. વિશ્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે રાજ્યમાં એડવેન્ચર ટૂરિઝમના વિકાસ માટે એડવેન્ચર ટૂરિઝમ ઇક્વીપમેન્ટ માટે 15 ટકા કેપિટલ સબસીડી મહત્તમ રૂા.15 લાખની સહાય કરવામાં આવશે. ગુજરાતમાં પ્રવાસનના વિકાસ માટે દારૂબંધી હટાવશો કે કેમ તેવા પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દારૂબંધી ગુજરાતમાંથી કદાપિ હટશે નહીં. વિદેશી પ્રવાસીઓ એરપોર્ટ પર ઉતરે છે ત્યારે જ તેમને તેમની જરૂરી એવી દારૂની પરમીટ મળતી જ હોય છે. તેથી દારૂબંધી હટાવવાનો પ્રશ્ન રહેતો જ નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer