ચીન અને પાકના પડકારોને પહોંચી વળવા માટે સેના સજજ : નરવણે

નવી દિલ્હી,તા.12 : સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણેએ આજે જણાવ્યું હતું કે ઉત્તરીય સરહદે ભારતીય સેના એલર્ટ છે અને કોઈ પણ પડકારોનો સામનો કરવા સજ્જ છે. પશ્ચિમી સીમાએ પાકિસ્તાન અગાઉ જેવી હરકતો કરી રહ્યું છે પણ અમે સ્પષ્ટ કરી દીધું છે કે અમે સાંખી લેશું નહીં. વાર્ષિક પત્રકાર પરિષદમાં નરવણેએ કહ્યું હતું કે ઉત્તરની સીમાએ ભારત એલર્ટ છે(ચીન સાથે)આઠ રાઉન્ડની  વાતચીત થઈ ચૂકી છે અને નવમા રાઉન્ડની મંત્રણા હવે થશે.મામલો વાટાઘાટોથી ઉકેલાશે પણ અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. ઉત્તર સરહદે મડાગાંઠ અને કોરોનાને પગલે ગયું આખું વર્ષ પડકારોથી ભરેલું રહ્યું. અમે બંનેનો સામનો કર્યો. તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સેનામાં પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. સેનાનું આધુનિકીકરણ કરવાના પ્રયાસો જારી છે. એ માટે જરૂરી બજેટ પણ મળ્યું છે. અમારી ઓપરેશનલ તૈયારીઓ પૂરતી છે અને જવાનોનું મનોબળ પણ ઊંચું છે.અગાઉની તુલનાએ અમારી ક્ષમતા વધી છે અને ઠંડીથી બચવાના ઉપાયો પણ અમલમાં મુકાયા છે. ચીન અને પાકિસ્તાનથી ખતરો છે તેમાં કોઈ શંકા નથી.પૂર્વ લદ્દાખની સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer