અંતે સામખિયાળી-સૂરજબારી ધોરીમાર્ગનું કામ સ્થગિત

ગાંધીધામ, તા. 12 : પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીથી માળિયા ધોરીમાર્ગ ઉપર ચાલતાં સમારકામને લઈને જટિલ ટ્રાફિક સમસ્યા સર્જાય છે, ત્યારે  વહીવટીતંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા સાથે કાર્ય કરવા માટે સૂચના અપાતાં હાલ તુરંત ત્રણેક દિવસ માટે કામને બંધ રખાયું  હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.માળિયાથી કચ્છ તરફ આવતા માર્ગ ઉપર ચાલતાં ધોરીમાર્ગનાં સમારકામને લઈને વારંવાર કલાકો સુધી ટ્રાફિક સમસ્યા ઊભી થતી  હોવાની બૂમ  પડી હતી. બે-બે મહાબંદર ધરાવતા આ જિલ્લાના પ્રવેશમાર્ગે આ મુશ્કેલીને લઈને જુદા-જુદા પરિવહનકાર સંગઠનોએ સંબંધિતોને રજૂઆત કરી હતી. આ ઉપરાંત રોડ  નહીં તો ટોલ  નહીં આંદોલનની ચીમકી પણ  ઉચ્ચારી હતી. તેમ છતાં  જૈસે થેની સ્થિતિ રહેતા  ટ્રાન્સપોર્ટરોનો રોષ ભભૂકયો હતો.આ સમસ્યાથી ત્રસ્ત બની  જુદા-જુદા  પરિવહનકાર સંગઠને સૂરજબારી પાસે આવેલાં ટોલનાકાં  પાસે  ચક્કાજામનો કાર્યક્રમ આપ્યો હતો. દરમ્યાન ટોલ વિભાગ દ્વારા યોગ્ય પગલાંની હૈયાધારણા અપાતાં સમગ્ર મામલો થાળે પડયો હતો. છેલ્લા  કેટલાક દિવસથી  સૂરજબારીથી સામખિયાળી વધુ એક વખત ટ્રાફિકજામ ધ્યાને આવ્યો હતો. પરીણામે હજારો વાહન ચાલકોના સમયનો વ્યય થાય છે. જેને  લઈને પોલીસ સહિતનાં તંત્રો દ્વારા  પૂરતી  વ્યવસ્થા સાથે કાર્ય કરવા સૂચના અપાઈ હતી. જેથી  હાલ પૂરતું બે -ત્રણ દિવસ માટે સામખિયાળી- સૂરજબારી માર્ગનાં કાર્યને બંધ  કરી દેવાયું છે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. પૂર્વ કચ્છ પોલીસવડા  દ્વારા  માર્ગ  સમારકામના સંલગ્ન  અધિકારીઓ સાથે  બેઠક યોજાઈ હતી.  સૂરજબારી પાસે ટ્રાફિકજામ ન થાય તે  માટે પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા સાથે કાર્ય  કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ   રસ્તામાં કોઈ  વાહન  ખોટવાય  તો   તે વાહનને અન્યત્ર ખસેડવા માટે ક્રેન રાખવા, ટ્રાફિક બેરીયર રાખવા સહિતના આવશ્યક સૂચનો કરાયાં હતાં. જેને ધ્યાને રાખીને સમારકામ વિભાગ દ્વારા પાંચથી વધુ ક્રેન સ્ટેન્ડબાય રખાશે તથા પૂરતા પ્રમાણમાં બેરિકેડ  રખાશે. આ ઉપરાંત  વાહન વ્યવહાર  પૂરતા પ્રમાણમાં પૂર્વવત થઈ શકે  તે રીતે કાર્ય કરાશે. હાલમાં આ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે તૈયારી ચાલુ હોવાથી  બે -ત્રણ દિવસ  માટે સૂરજબારી-સામખિયાળી પાસે કાર્ય બંધ કરી દેવાયું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. હાલમાં માળિયા-મોરબી વિભાગમાં તથા અન્ય જગ્યાએ કાર્ય ચાલુમાં હોવાનું જાણકારોએ ઉમેર્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer