ભુજ બી-ડિવિઝન પોલીસ મથકના ફોજદાર રાઇટર અને હોમગાર્ડ સાથે લાંચમાં પકડાયા

ભુજ, તા. 12 : મારામારી અને બળજબરી સહિતના ગંભીર કેસમાં સંડોવાયેલા આરોપી સામે ચેપ્ટર કેસ ન કરવા અને તપાસ અંતર્ગત વધુ હેરાનગતિ ન કરવા  માટે રૂા. 15 હજારની લાંચ લેતા ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકના બિનહથિયારી સબ ઇન્સ્પેકટર નરેન્દ્રસિંહ સુરુભા (એનએસ) ગોહિલ અને તેમનો રાઇટર કોન્સ્ટેબલ સાગર મગનભાઇ દેસાઇ તથા ગૃહરક્ષક દળનો જવાન અનિષ શાંતિલાલ ગાયકવાડ આજે લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં જબ્બર ચકચાર જાગી છે. એકસાથે ત્રણ જવાબદાર વ્યક્તિ લાંચના કેસમાં ઝડપાઇ હોય તેવો આ પ્રથમ બનાવ બની રહ્યો છે.થોડા દિવસો પહેલા નોંધાયેલા ભુજ માર્કેટયાર્ડના વેપારીને ઉઠાવી જઇ તેને માર મારી તેની પાસેથી રૂપિયા કઢાવવા માટે બળજબરીથી લખાણ-સોગંદનામું કરાવવાના કેસના આરોપી એવા આ કેસના ફરિયાદી પાસેથી કહેવાતી લાંચની રૂા. 15 હજારની રકમ ફોજદાર, રાઇટર અને તેમના સાગરીત એવા હોમગાર્ડ જવાન સ્વીકારી રહ્યા હતા ત્યારે લાંચ રુશ્વત વિરોધી પોલીસ બ્યૂરોએ અગાઉથી ગોઠવી રાખેલા છટકામાં તેમને આબાદ ઝડપી લીધા હતા. શહેરમાં સરપટ નાકા પાસે અંદરની બાજુએ આવેલા ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથક ખાતે આજે સાંજે એ.સી.બી. પાટણ જિલ્લાની ટુકડી દ્વારા આ સફળ છટકું પાર પડાયું હતું. ત્રણેય આરોપીને ઝડપી લીધા બાદ તેમને એ.સી.બી. કચેરીએ લઇ જવાયા હતા. જ્યાં રાત્રિ સુધી ગુનો નોંધવા સહિતની કાયદાકીય કાર્યવાહીનો ધમધમાટ જારી રહ્યો હતો. જેના કારણે રાત્રિના 11.15 વાગ્યા સુધી સત્તાવાર કોઇ વિગતો જાહેર કરાઇ નહોતી.આ કેસમાં ફરિયાદી બનનાર સામે થોડા સમય પહેલાં ફોજદારી કેસ થયો હતો. જેમાં ચેપ્ટર કેસ ન કરવા અને તપાસ તળે વધુ હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમ્યાન ભૂતકાળમાં પોલીસદળમાં જ ફરજ બજાવી ચૂકેલા એવા ફરિયાદીએ આ મામલે એ.સી.બી. સમક્ષ ફરિયાદ કરતાં આ છટકું ગોઠવીને તેને પાર પડાયું હતું. તેમ સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. પકડાયેલા આરોપીઓ પૈકીના ફોજદાર નરેન્દ્રસિંહ સુરુભા (એનએસ) ગોહિલ વડોદરા જિલ્લાથી બદલીને પશ્ચિમ કચ્છમાં મુકાયા બાદ તેમને બી. ડિવિઝનમાં નિયુકત કરાયા હતા. તો સહઆરોપી સાગર દેસાઇ આ સબ ઇન્સ્પેકટરના રાઇટર તરીકે ભૂમિકા ભજવે છે. જ્યારે ગૃહરક્ષક દળના જવાન એવા અનિષ ગાયકવાડ આ પોલીસ મથક તળે ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું છે.એકસાથે ત્રણ-ત્રણ જવાબદાર વ્યકિત લાંચના કેસમાં પકડાયા હોય તેવો આ પ્રથમ કિસ્સો બની રહ્યો છે. તો આ ઘટનાએ પોલીસબેડા સહિત સબંધિતોમાં જબ્બર ચકચાર જગાવી છે. આ કેસમાં એ.સી.બી. સમક્ષ ફરિયાદ બાદ આ તંત્રની રેન્જ સ્તરની કચેરીના મદદનીશ નિયામક શ્રી ગોહિલના સુપરવિઝન તળે પાટણ જિલ્લાની ટુકડી દ્વારા છટકાની કામગીરી કરાઇ હતી. સમગ્ર પ્રકરણમાં અન્ય એક હોમગાર્ડ જવાનની ભૂમિકા પણ એ.સી.બી. ચકાસી રહી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer