કચ્છમાં આઠ : 69 દિવસે કોરોના કેસનો એકલ આંક
ભુજ, તા. 12 : એકતરફ કોરોના રસીકરણની તડામાર તૈયારી ચાલી રહી છે. બીજીતરફ રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોનાનો વાયરો સાવ ટાઢો પડી રહ્યો હોય તેમ 69 દિવસ એટલે કે સવા બે મહિના પછી જિલ્લામાં કોરોનાના કેસ એકલ આંકમાં નોંધાતાં મોટી રાહત થઇ હતી. નવા 8 કેસ નોંધાયા તેની સામે બમણાથી પણ વધુ એટલે કે 19 દર્દી ચેપમુક્ત થયા હતા. આરોગ્ય વિભાગની યાદી અનુસાર જિલ્લામાં નવા 8 કેસ નોંધાયા તેમાં ભુજ શહેરમાં 4 અને તાલુકામાં 3 મળી 7 તો ગાંધીધામ શહેરમાં 1 કેસ નોંધાયો તેને બાદ કરતાં બાકીના આઠ તાલુકા કોરોનાવિહોણા રહ્યા હતા. કોરોનાના ઘટતા જોર વચ્ચે આ મહામારીનું રડાર ભુજમાં કેન્દ્રિત રહ્યું હોય તેમ જિલ્લામાં એકલ આંકમાં કેસ છતાં સર્વાધિક કેસ અહીં જ નોંધાયા હતા. જિલ્લામાં છેલ્લે 3 નવેમ્બરના 8 કેસ નોંધાયા હતા. તો એ પૂર્વે 1 અને 2 તારીખે પણ 10થી ઓછા કેસ નોંધાયા હતા. લાંબા સમય પછી કેસમાં મોટા ઘટાડાએ હવે આ વાયરો કાબૂમાં આવી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.આ સાથે જિલ્લામાં નોંધાયેલા કુલ કેસનો આંક 4253, સાજા થયેલા દર્દીનો આંક 3929 પર પહોંચ્યો હતો. સક્રિય કેસ ઘટીને 202 થવા સાથે મૃતાંક 81 પર અટક્યો રહ્યો હતો. તો જિલ્લાનો કોરોના રિક્વરી રેટ પણ 92 ટકાને પાર થઇ ગયો છે.