અડધી ટીમ ઇન્ડિયા ઇજાગ્રસ્ત : બુમરાહ પણ બહાર

સિડની, તા. 12 : ઇજાગ્રસ્ત ખેલાડીઓથી ઝઝૂમી રહેલી ભારતીય ટીમને આજે વધુ એક ફટકો પડયો છે. ટીમનો મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પેટના સ્નાયૂ ખેંચાઇ જવાને લીધે બ્રિસબેનમાં રમાનાર ચોથી ટેસ્ટની બહાર થઇ ગયો છે. આટલું ઓછું હોય તેમ બ્રિસબેનની આખરી ઇલેવનમાં હનુમા વિહારીનો વિકલ્પ મનાતો મયંક અગ્રવાલ પર ઇજાનો ભોગ બન્યો છે. તેને નેટમાં બેટિંગ કરતી વખતે હાથમાં ઇજા થઇ છે. કદાચ હેરલાઇન ફ્રેકચર હોય શકે છે. ઇજાગ્રસ્ત ખેલાડીઓની સૂચિ હજુ અટકી નથી. સિડની ટેસ્ટમાં સાડા ત્રણ કલાક સુધી બેટિંગ કરીને મેચ ડ્રો કરનાર રવિચંદ્રન અશ્વિનની પીઠના દર્દની સમસ્યા વધી છે. આથી ચોથી ટેસ્ટમાં અશ્વિનના રમવા પર પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. સિડની ટેસ્ટના હિરો હનુમા વિહારી તો પગના સ્નાયૂ ખેંચાઇ જવાને લીધે પહેલેથી જ 1પમીથી શરૂ થતાં નિર્ણાયક ટેસ્ટની બહાર થઇ થયો છે. જયારે સિડનીમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ રમાનાર ઋષભ પંત પણ અનફિટ છે. જે તો બ્રિસબેનમાં રમશે તો તેના હાથમાં ગ્લોવઝ નહીં હોય, ફકત બેટ્સમેનની ભૂમિકામાં જ હશે. રવીન્દ્ર જાડેજા પણ અંગૂઠાને ફ્રેકચરને લીધે સિરીઝમાંથી આઉટ થઇ ગયો છે. હવે આજે નવી જાણકારી એ સામે આવી છે કે બુમરાહ ચોથી ટેસ્ટની લગભગ બહાર થઇ ગયો છે. આગામી ઇંગ્લેન્ડની સિરીઝને ધ્યાને રાખીને તેને વિશ્રામ અપાશે તેવું માનવામાં આવે છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે સિડનીમાં ફિલ્ડીંગ કરતી બુમરાહને પેટના સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજા થઇ છે. આથી તે બ્રિસબેન ટેસ્ટની બહાર રહેશે, પણ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ઉપલબ્ધ રહેશે. ભારતીય ટીમ માટે રાહતની વાત એ છે કે બુમરાહની ઇજા ગંભીર નથી. આ પહેલા બે ઝડપી બોલર મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ ઇજાનો ભોગ બનીને સ્વદેશ પરત ફરી ચૂકયા છે. જ્યારે ઇશાંત શર્માએ પ્રવાસ ગુમાવ્યો હતો. જો બુમરાહ અંતિમ ટેસ્ટમાં નહીં રમે તો ભારતીય બોલિંગ આક્રમણની આગેવાની મોહમ્મદ સિરાઝ કરશે. તેના સાથમાં નવદિપ સૈની, શાર્દુલ ઠાકુર અને નવોદિત ટી. નટરાજન હશે. જો અશ્વિન અનફિટ હશે તો સમસ્યા વધશે અને વોશિંગ્ટન સુંદર અને કુલદિપ યાદવમાંથી કોઇ એકને તક મળશે. કારણ કે ચોથી ટેસ્ટમાં ગાબાની પિચ પર ભારત ચાર ઝડપી બોલર સાથે ઉતરવાનું પસંદ કરશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer