કોહલીને ખસેડી સ્મિથ બીજાં સ્થાને
દુબઈ, તા.12: ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આઇસીસી ટેસ્ટ બેટિંગ ક્રમાંકમાં ત્રીજાં સ્થાને ખસી ગયો છે જ્યારે ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્ટિવન સ્મિથ બીજાં સ્થાને આવી ગયો છે જ્યારે ચેતેશ્વર પુજારા બે ક્રમના ફાયદાથી આઠમા સ્થાને છે.કોહલીના હાલ 870 પોઇન્ટ છે. તે પેટરનિટી લીવ પર છે. સ્મિથ 900 પોઇન્ટ સાથે બીજા નંબર પર છે. જ્યારે ટોચ પરના કિવિઝ કપ્તાન કેન વિલિયમ્સનના 919 પોઇન્ટ છે. તે આઇસીસી રેન્કિંગમાં સર્વાધિક પોઇન્ટ હાંસલ કરનારો ન્યુઝિલેન્ડનો ખેલાડી બન્યો છે. સિડની ટેસ્ટમાં 131 અને 81 રનની ઇનિંગને લીધે સ્મિથને ફાયદો થયો છે. આથી તે વિરાટથી આગળ થઈને બીજાં સ્થાને પહોંચ્યો છે. ત્રીજા ટેસ્ટમાં બે અર્ધસદી કરનાર પુજારા આઠમા અને કાર્યવાહક સુકાની રહાણે એક સ્થાનના નુકસાનથી સાતમા ક્રમ પર છે. ઋષભ પંતે 36 અને 97 રનની ઇનિંગ રમી હતી. આથી તે 19 સ્થાનની છલાંગ લગાવીને 26મા નંબર પર આવી ગયો છે. હનુમા વિહારી બાવનમા, શુભમન ગિલ 69મા, અશ્વિન 88મા બેટિંગ ક્રમ પર છે.બોલિંગ ક્રમાંકમાં અશ્વિન અને બુમરાહ નવમા-દસમા નંબર પર છે. પેટ કમિન્સ ટોચ પર યથાવત્ છે. આ પછી ઇંગ્લેન્ડનો સ્ટૂઅર્ટ બ્રોડ છે.