બ્રિસબેન પહોંચવા સાથે ટીમ ઇન્ડિયાને કડવો અનુભવ

નવી દિલ્હી, તા. 12 : ભારતીય ક્રિકેટ ટીમ આજે મંગળવારે સિડનીથી ચોથી ટેસ્ટ રમવા માટે બ્રિસબેન પહોંચી છે પણ હોટેલની સુવિધાઓ જોઈને ભારતીય ખેલાડીઓ હેરાન થઈ ગયા હતા. હોટેલમાં પ્રાથમિક સુવિધાઓમાં અનેક ખામી જોવા મળી હતી. જેની ફરિયાદ ભારતીય ખેલાડીઓએ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને સીઇઓ હેમાંગ અમીનને કરી હતી. આ પછી બીસીસીઆઇએ તુરત જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સંપર્ક કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના બોર્ડે આશ્વાસન આપ્યું હતું કે ભારતીય ખેલાડીઓને તમામ ફરિયાદ દૂર થશે. રિપોર્ટ અનુસાર હોટેલના રૂમમાં હાઉસકીપિંગની સુવિધા ન હતી, જિમ પણ ઇન્ટરનેશનલ લેવલનું નથી, સ્વિમિંગ પૂલ પણ ખરાબ હાલતમાં છે. હાઉસકીપિંગ ન હોવાથી ખેલાડીઓએ જ તેમના બેડ સરખા કરવા અથવા તો શૌચાલય સાફ કરવા પડી શકે તેમ હતા. જો કે બીસીસીઆઇની ફરિયાદ બાદ ઉકેલ આવી ગયો છે. ખેલાડીઓને હોટલમાં એક-બીજાને મળવાની પણ છૂટ મળી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer