સિંધુ થાઈલેન્ડ ઓપનના પહેલા રાઉન્ડમાં જ હારી
બેંગકોક, તા. 12 : વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુને ઇન્ટરનેશનલ બેડમિન્ટનમાં વાપસી સાથે પહેલા રાઉન્ડમાં જ પરાજયનો સામનો કરવો પડયો છે. સિંધુ યોનેકસ થાઇલેન્ડ ઓપન-1000 ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ ડેનમાર્કની ખેલાડી મિયા બ્લિચફેલ્ટ સામે હારીને બહાર થઇ છે. બીજી તરફ અનુભવી સાઇના નેહવાલ કોરોના પોઝિટિવ જાહેર થવાથી ટૂર્નામેન્ટની બહાર છે તેવા સમાચાર પહેલા સામે આવ્યા હતા. બાદમાં સાંજે જાહેર થયું કે સાઇના અને એચ. એસ. પ્રણોય કોરોના સંક્રમિત નથી. આથી આ બન્નેને આવતીકાલ બુધવારે તેમના પહેલા રાઉન્ડ માટે કોર્ટમાં ઉતરવાની છૂટ મળી છે. આ ઉપરાંત થાઇલેન્ડ ઓપનની ખરાબ વ્યવસ્થા સંબંધે ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન સમક્ષ ફરિયાદ નોંધાવી છે. કોરોના મહામારીને લીધે લાંબા સમયે કોર્ટ પર વાપસી કરનાર પીવી સિંધુ 74 મિનિટના મુકાબલામાં ડેનમાર્કની મિયા સામે 16-21, 26-24 અને 21-13થી હારીને બહાર થઇ હતી. તેની હારથી આ ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સમાં ભારતનો પડકાર સમાપ્ત થયો છે. પુરુષ સિંગલ્સમાં 13મા ક્રમનો બી સાઇ પ્રણીત થાઇલેન્ડના ખેલાડી કેંટાફોન વાંગચારોન સામે 16-21 અને 10-21થી હારી ગયો હતો. મિકસ ડબલ્સમાં સાત્વિક અને અશ્વિનીની જોડી બીજા રાઉન્ડમાં પહોંચી છે. એવા પણ રિપોર્ટ છે કે સાઇના સાથે થાઇલેન્ડ ગયેલ તેના પતિ અને ખેલાડી પી. કશ્યપને કોરોનાની અસર છે.