લઘુતમ પારો 1થી 4 ડિગ્રી ઊંચકાતાં ઠંડીમાં મળી રાહત

ભુજ, તા. 12 : કચ્છમાં છેલ્લા એક પખવાડિયા કરતાં વધુ સમયથી ફરી વળેલું કાતિલ ઠંડીનું મોજું સામાન્ય ઊતાર-ચઢાવ વચ્ચે જારી રહ્યું છે ત્યારે મંગળવારે લઘુતમ પારો 1થી 4 ડિગ્રી ઊંચકાતાં ઠંડીના દોરમાં આંશિક રાહત મળી હતી.નલિયામાં પારો 4 ડિગ્રીના વધારા સાથે આઠ ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. 28 ડિગ્રી મહતમ તાપમાને દિવસે રાહત જોવા મળ્યા બાદ સાંજ ઢળતાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ખાનગી રાહે તાપમાન નોંધાય છે એવા ખાવડામાં પારો સાત ડિગ્રીએ અટકતાં તે નલિયા કરતાં પણ વધુ ઠર્યું હતું.જિલ્લામથક ભુજમાં 12.1, કંડલા (એ)માં 11.6 અને કંડલા પોર્ટમાં 13.9 ડિગ્રી સામે મહત્તમ પારો તમામ કેન્દ્રોમાં 27થી 28 ડિગ્રી રહેવા સાથે પવનની ઝડપ ઘટતાં ઠારનો માર થોડો હળવો થયો હતો.દિવસના ભાગે તડકામાં થોડી તપત વર્તાઈ પણ મોડી સાંજથી લઈ વહેલી સવાર સુધી ઠંડીની આણ જારી રહી હતી. હજુ પાંચેક દિવસ સુધી આવું વાતાવરણ જારી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer