હાશ... કચ્છની કોવિડ હોસ્પિટલોમાં ખાલી બેડ વધ્યા...

ભુજ, તા. 12 : ડિસેમ્બર માસની તુલનાએ જાન્યુઆરી માસમાં કોરોનાના કેસમાં ઘટાડો થવા સાથે સાજા થયેલા દર્દીઓના આંકમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. રિકવરી રેટમાં જોવા મળતા વધારાના દોરના પગલે જિલ્લામાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉપલબ્ધ બેડની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. વીતેલા એક માસના સમય- ગાળામાં હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા 21 ટકા જેટલી વધી છે. આ આંકડો હજુ વધે તેવી શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાતા આંકડા પર એક નજર કરીએ તો ડિસમ્બર માસના આરંભે જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં 941 બેડ ઉપલબ્ધ હતા પણ તે પછી પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો અવિરત જારી રહેતાં એક તબક્કે આ આંકડો 900થી પણ નીચે ચાલ્યો ગયો હતો. 15 ડિસેમ્બરના દિવસે 886 ખાલી બેડ ઉપલબ્ધ હતા પણ આા બાદ ખાલી બેડની ઉપલબ્ધિમાં સતત વધારો જોવા મળ્યો છે. સત્તાવાર આંકડા અનુસાર હાલની સ્થિતિએ જિલ્લામાં કાર્યરત 13 સરકાર હસ્તકની અને 45 પેમેન્ટ બેડ ખાનગી મળી 18 હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે 1069 બેડ ઉપલબ્ધ છે એક મહિનાથી પણ ઓછાના સમયગાળામાં 183 ખાલી બેડ કોવિડ હોસ્પિટલમાં વધ્યા જે ટકાવારીની દ્રષ્ટિએ 21 ટકા જેટલા થવા જાય છે. રાજ્યના મહાનગરો તેમજ અન્ય જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં જે રીતે નવા કેસમાં ઘટાડા સાથે કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યા વધી રહી છે. કંઇક આવો જ સિનારિયો કચ્છમાં જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે સપ્ટેમ્બર, ઓકટોબરમાં કોરોનાનો  કહેર જ્યારે પોતાની ચરમ સીમાએ પહોંચી ગયો હતો ત્યારે ખાલી બેડની સંખ્યા ઘણી નીચી હતી.નવેમ્બર માસમાં દિવાળી પૂર્વે આ આંકડો 1000ના આંકને પાર થયો પણ દિવાળી પશ્ચાત કેસો વધતાં ખાલી બેડની સંખ્યામાં શરૂ થયેલો ઘટાડાનો દોર ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી જારી રહ્યા બાદ હાલની આ સ્થિતિ સર્જાઇને સામે આવી છે.જિલ્લામાં કોરોનાનો વાયરો હવે ટાઢો પડી રહ્યો છે એ જોતાં આ આંકડો વધે તેવી સંભાવનાને નકારી શકાતી નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer