નવી નીતિથી કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સર્વાંગી વિકાસ સધાશે

ભુજ, તા. 12 : રાજ્ય સરકારે આજે નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી છે ત્યારે આ નવી નીતિથી કચ્છના પ્રવાસન ક્ષેત્રનો સર્વાંગી વિકાસ સાધી શકાશે એવો આશાવાદ પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે વ્યક્ત કરી આ નવી નીતિને આવકાર આપ્યો હતો. વાસણભાઇએ કહ્યું કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં અમુક નિર્ધારિત કરાયેલા સ્થળોને  નવી પ્રવાસન નીતિનો લાભ મળવાનો છે, પણ કચ્છમાં ધોળાવીરાથી લઇ લખપત સુધીના તમામ વિસ્તારોને આવરી લઇ આખા જિલ્લાને નવી પ્રવાસન નીતિનો લાભ મળે તે પ્રકારનું આયોજન સરકારે  ગોઠવ્યું છે. જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ છેલ્લા કેટલાક વર્ષોથી હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે આ નવી નીતિ તેને બળ આપવાનું કામ કરશે. વધુમાં યાયાવર પક્ષીઓનો જમાવડો જામે છે એવા છારીઢંઢ અને ઐતિહાસિક વારસો સાચવીને બેઠેલા ઝારા ડુંગરને પણ પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, જેના અંતર્ગત આગામી સમયમાં પ્રવાસન વિકાસનાં કામો અહીં હાથ?ધરવામાં આવશે તેમ કહેતાં શ્રી આહીરે રાજ્યની નવી પ્રવાસન નીતિમાં કચ્છને કેન્દ્ર સ્થાને રાખવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જિલ્લામાં આવેલા મહેલોને જો હેરિટેજ હોટલ તરીકે વિકસાવવું હશે તો એ માટે પણ અનેક પ્રકારની જોગવાઇ કરાઇ હોવાનું શ્રી આહીરે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer