કચ્છ યુનિ.ના ઇ. રજિસ્ટ્રારનું રાજીનામું : કાયમી રજિસ્ટ્રાર ક્યારે ?

ભુજ, તા. 12 : કચ્છ યુનિવર્સિટીને કાયમી રજિસ્ટ્રાર મળવાનો પ્રશ્ન તો લટકેલો જ છે, જાહેરાત બહાર પડયા પછી ઇન્ટરવ્યૂ પણ લેવાઇ ગયા છે અને ગુજરાત સરકાર વિલંબ કરી રહી છે. તેની વચ્ચે ઇન્ચાર્જ રજિસ્ટ્રારે બદલવાનો સિલસિલો તો યથાવત જ છે. આજે મળતા હેવાલ મુજબ વર્તમાન ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. મનીષ પંડયાએ ત્રણ દિવસથી રાજીનામું ધરી દીધું છે ને હજુ સુધી નવા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અંગે કોઇ નિર્ણય નથી લેવાયો. કચ્છ યુનિવર્સિટીના વહીવટ અંગે મહત્ત્વની આ પોસ્ટ અવાર નવાર વિવાદમાં આવે છે. અગાઉ 9 વર્ષના અંતરાય બાદ ઇન્ટરવ્યૂ લેવાયો અને રાજકારણ વચ્ચે પડતાં સમગ્ર પ્રક્રિયા રદ થઇ. હવે છેલ્લે 23મી નવેમ્બરના ઇન્ટરવ્યૂ લેવાયા તેનેય લાંબો સમય થયો. કાયમી રજિસ્ટ્રારની જાહેરાત શિક્ષણ તંત્ર કરતું નથી. સૂત્રોના દાવા મુજબ ફરી એ જ ખટપટ અને ફરિયાદો શરૂ થઇ છે. સ્થાનિક નેતાઓ હંમેશ મુજબ કંઇ બોલતા નથી. દરમ્યાન, હવે નવા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર વહીવટના અનુભવી અને યુનિ.માં જ સ્થાનિક જ હોવા જોઇએ તેવી માગણી ઊઠી છે. જેથી વિદ્યાર્થીઓના કામો લટકે નહીં. ડો. પંડયાએ 30મી માર્ચના ઇન્ચાર્જ રજિસ્ટ્રારનું પદ સ્વીકાર્યા બાદ 9 મહિનામાં રાજીનામું ધર્યું હતું. આ પહેલાં છેલ્લા દસ વર્ષમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રારનું પદ અનેકવાર ઠેબે ચડયું છે. બીજીતરફ, રાજીનામાના સમાચાર અંગે કુલપતિ ડો. જાડેજાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ફોન નો રિપ્લાય થયા હતા. દરમ્યાન નવા રજિસ્ટ્રાર અંગે પણ યુનિવર્સિટી સંકુલમાં તર્કવિતર્ક થવાના શરૂ થઇ ગયા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer