ભચાઉ નગરપાલિકાના ભાજપની મિટિંગ માટે કરાયેલા ઉપયોગ બદલ કાર્યવાહીની માંગ

ભચાઉ, તા. 12 : નગરપાલિકા સરકારી સંસ્થાન છે. જેનો ઉપયોગ સર્વ લોકકલ્યાણ માટે સરકારી તંત્ર દ્વારા થાય એ એનો હેતુ છે, પરંતુ ભચાઉ ભાજપના શહેર પ્રમુખ દ્વારા આ સંસ્થાનમાં અવારનવાર પક્ષની મિટિંગો યોજવામાં આવતી હોવાનું શહેર કોંગ્રેસ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રાદેશિક કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવી ઉમેર્યું કે, શહેર ભાજપ પ્રમુખના પત્ની નગરપાલિકાના પ્રમુખ છે, જેથી આ શહેર પ્રમુખ દ્વારા પંચાયતીરાજ સંસ્થાનનો અત્યંત ખરાબ રીતે અંગત રાજકીય પાર્ટીના હિતમાં દુરુપયોગ થાય એ ગંભીર બાબત ગણાય. તા. 6થી 8 જાન્યુના ભચાઉ શહેર ભાજપના પેજપ્રમુખો, વોર્ડ પ્રમુખોની મિટિંગ અહીં બોલાવવામાં આવી હતી. જેથી આ બાબતે પ્રમુખની જવાબદારી ફિક્સ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer