રાપર તાલુકાના સરહદી ગામોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી
ભુજ, તા. 12 : રાપર તાલુકાના સરહદી ગામોમાં પીવાનાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આણવા સૂચનો સાથે ત્વરિત લોકોની મુશ્કેલી દૂર કરવા પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતાએ પાણી પુરવઠા વિભાગના વડાને રજૂઆત કરી, આગામી ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાય તે પહેલાં કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.લોક રજૂઆતોને ધ્યાને લઇ, કરેલી રજૂઆતમાં જણાવાયું કે, સરહદી બેલા ગામ હેઠળ આવતા 25 ટકા વિસ્તારને ધબડા સમ્પથી પીવાનું પાણી પૂરું પડાઇ રહ્યું છે, જ્યારે બાકીના 75 ટકા વિસ્તારમાં આવેલી ખોડિયારવાંઢ, સુરીલાવાંઢ, રૂપાણીવાંઢ, વીસાસરવાંઢ, ખારીવાંઢને ફતેહગઢ સ્થિત ભોજનારી ડેમ આધારિત યોજના અંતર્ગત શિવગઢ સમ્પથી પાણી આપવાનું આયોજન છે, જે શિવગઢથી પમ્પીંગથી બેલા ગામને પાણી આપવામાં આવે છે તેનું અંતર 12 કિ.મી. જેટલું થાય છે. તેમજ બેલા ઉંચાઇ પર આવેલ હોવાથી રોજીંદી જરૂરિયાત જેટલું પાણી પહોંચતું નથી, જ્યારે નાની-મોટી સુકનાવાંઢ સુધી પાઇપલાઇન જ ન હોવાથી આ વાંઢો પાણીથી સંપૂર્ણ વંચિત રહે છે. શિયાળામાં પાણીની અછત વર્તાય છે તે જોતાં આગામી ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાવાની દહેશત રહે છે.આ પરિસ્થિતિ નિવારવા શ્રી મહેતાએ સૂચવ્યું હતું કે, શિવગઢ ખાતે આવેલા સમ્પથી વાલપુરા સુધી 5 કિલોમીટર નવીન પાઇપલાઇન નાખવામાં આવે અને વાલપુરા ખાતે 10 લાખ લિટર ક્ષમતાનો નવો સમ્પ બનાવવામાં આવે તો વાલપુરા સમ્પથી હાલ હયાત પાઇપલાઇન છે. તેનો ઉપયોગ કરવાથી બેલા ગામ અને તેની હેઠળની વાંઢોની પાઇપલાઇન અલગ થઇ જાય તો દરેક વિસ્તારને સીધું પર્યાપ્ત પાણી પહોંચાડી શકાય તેમ છે. સુકનાવાંઢ, હનુમાનવાંઢ જેવી વાંઢોને હાલ ઉનાળામાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની પદ્ધતિથી છૂટકારો મળી જાય અને લોકોને પૂરતું પાણી મળી રહે તેવું જણાવાયું હતું.