બન્નીમાં જાનવરોના હક્ક પર જોર દેવાય છે, પણ તેને પાળનારાઓનું શું ?

ભુજ, તા. 12 : બન્નીના ગામો, વાંઢો, ધાર્મિક સ્થળો જેમાં મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન સહિત શાળાઓ, રોડ-રસ્તાઓનો કોઈ નકશો જ નથી, જે વર્ષોથી સરકારોની ઉપેક્ષાનું કેન્દ્ર રહ્યું છે, ત્યાં છેક 2026માં યોજાનાર વિશ્વ માલધારી વર્ષના બહાને ગૌરવ યાત્રા કાઢીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે માલધારી સંગઠનનાં આગેવાનોએ ક્યાસ કાઢી લીધો..! વધુ એક વખત પુરવાર થયું છે. માલધારી સંગઠન એ સહજીવન સંસ્થાની કઠપૂતળી છે, જેનો છેડો પકડી હોદેદારો પાસે રાજકીય રોટલા શેકવા સિવાય બીજું કોઈ કામ નથી તેવો આક્ષેપ ઉઠયો છે. બન્નીમાં દસ હજાર હેક્ટરમાં વાવેતર મોજુદ છે, વાડાઓ હટાવવાની ગુલબાંગો પોકારનાર સંગઠન અને તેના પડદા પાછળ રહેતી સંસ્થા ન ગેરકાયદે વાડા હટાવી શકી, ન લોકોને મહેસૂલી હક્ક અપાવવા ઇચ્છા દર્શાવે છે, જ્યારે માલધારીઓ સવાલ ઉઠાવે છે ત્યારે દૂધના ભાવની ઉપલબ્ધિ ગણાવી દેવાય છે, ઘોડા-ગધેડાની માન્યતાની વાત છેડી દેવાય છે. જ્યાં બન્નીના લોકોનો સદીઓથી વસવાટ છે, એ લોકોના ઘર કોઈ મહેસૂલી રેકર્ડ નથી ધરાવતા, ત્યારે ઘોડા-ગધેડાની માન્યતાથી શું ફાયદો..? બન્નીના જાગૃત લોકો કહે છે, અહીં જાનવરોના હક્ક પર જોર દેવામાં આવે છે, પરંતુ તેને પાળનાર લોકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી કરતું. વન અધિકાર કાનૂન માત્ર લોલીપોપ બની રહ્યો છે, જેની કામગીરીની કોઈ જ સમીક્ષા કરવામાં નથી આવતી. વન અધિકાર કાનૂન તળે બન્નીને હક્કો અપાવવાના બહાને વર્ષોથી લોકોને ભોળવીને રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે. તાજેતરમાં કાઢવામાં આવેલી ગૌરવ યાત્રા બિલકુલ અપ્રાસંગિક હતી. જે ઉજવણી પાંચ વર્ષ પછી થવાની છે, એના માટે લોકોને અત્યારે રોડ પર લાવવાનો હેતુ શું? એવો સવાલ પણ ઉઠાવાયો છે. ખરેખર બન્ની ગૌરવ યાત્રાના ઓઠા તળે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આગેવાનોએ પ્રચાર કર્યો છે એ મુદ્દો પણ બન્નીના લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer