મોંધવારી ભથ્થું સ્થગિત કરવાનો આદેશ ડીપીટીમાં તમામને લાગુ કરાતાં આક્રોશ

ગાંધીધામ, તા. 12 :દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા તમામ અધિકારીઓ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને સ્થગિત કરવાનો આદેશ અપાતાં કામદારોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. આ મામલે કુશળ અકુશળ અસંગઠિત કામદાર સંગઠન દ્વારા દિલ્હી સુધી ધા નાંખવામાં આવી છે. કેન્દ્ર સરકારના જાહેર સાહસો સબંધિત મંત્રાલય દ્વારા ગત નવેમ્બર મહિનાના ઓફિસ મેમોરેન્ડમ દ્વારા કેન્દ્ર સરકારના જાહેર સાહસોના એકિઝકયુટિવ અને નોન યુનિયનાઈઝ કક્ષાના અધિકારીઓ અને સુપરવાઈઝરી કક્ષાના  કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને સ્થગિત કરવાનો આદેશ કરાયો હતો. આ સંદર્ભે શિપિંગ મંત્રાલયના આદેશ પ્રમાણે ડીપીટી દ્વારા તમામ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને સ્થગિત કરવા અને ઓકટોબર -નવેમ્બરમાં આપવામાં આવેલી રકમની રિકવરીના આદેશ જારી કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા 8 જાન્યુઆરીના સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જાહેર સાહસોના એકિઝકયુટિવ, નોન યુનિયનાઈઝ કક્ષાના અધિકારીઓ અને  સુપરવાઈઝરી કક્ષાના કર્મચારીઓ સિવાયના કામદારોના ડી.એ.  સ્થગિત કરવાની માર્ગદર્શિકા લાગુ પડતી નથી. તેમ છતાં પોર્ટ પ્રશાસન દ્વારા તમામ કામદારો ઉપર આ માર્ગદર્શિકા થોપી દેવામાં આવી છે. આ નિર્ણયથી યુનિયનાઈઝ કર્મચારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. આ મામલે સંગઠનના જનરલ સેક્રેટરી વેલજી જાટે શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયા અને શિપિંગ સચિવને પત્ર પાઠવી યુનિયનાઈઝ કર્મચારીઓના ડી.એ. ઉપર રોક ન લગાડવા રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉનના સમયગાળામાં પણ કામદારોએ પૂરતી ક્ષમતા સાથે પોર્ટ ઓપરેશન ચાલુ રાખી પોર્ટને નુકસાન થવા દીધું ન હતું. આ મામલે ચેરમેન સમક્ષ પણ રજૂઆત કરાઈ છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer