ગાંધીધામ સંકુલમાં ત્રણ જણનાં અપમૃત્યુ
ગાંધીધામ,તા.12: શહેરના ભારત નગર નજીક રિશી શિપિંગ સામે ટ્રેઈલરની હડફેટે ચડતાં વિક્રમસિંઘ વિજયસિંઘ યાદવ (ઉ.વ.30) નામના યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનને ઈજાઓ પહોંચી હતી. બીજી બાજુ ગાંધીધામનાં જ એફ.સી.આઈ. રોડ નજીક ઠંડીના કારણે હરપ્રિત કિશનદાસ રત્તુ (ઉ.વ.35) નામના યુવાને દમ તોડી દીધો હતો. તેમજ આદિપુર પોલીસ લાઈન નજીક અનિલ ભાઈચંદભાઈ દેવીપુજક (ઉ.વ.20) નામના યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. શહેરના 400 કવાર્ટર વિસ્તારમાં રહેતો વિક્રમ અને તેનો મિત્ર ચિરાગ ગઈ કાલે સાંજે ભારત નગર નજીક રિશી શિપિંગ પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે,તેમની આ બાઈક નંબર જે.જે.12.ડી.એફ.3919ને ટ્રેઈલર નંબર જી. જે. 12. એ. ઝેડ.9051 વાળાએ હડફેટમાં લેતાં વિક્રમને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેનું બનાવ સ્થળે જ મોત થયું હતું જયારે ચિરાગને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. આ ટ્રેઈલર ચાલક વિરૂધ્ધ વિજયસિંઘે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.અપમૃત્યુનો એક બનાવ ગાંધીધામના એફ.સી.આઈ. રોડ ઉપર સાંઈબાબાની પરબ પાસે બન્યો હતો. અહીં જ રહેતો હરપ્રિત નામનો યુવાન ગઈકાલે રાત્રે અહીં સૂઈ ગયો હતો. બાદમાં તેનું મોત થયું હતું. આ યુવાનનું મોત ઠંડીના કારણે થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે તેવું પોલીસે જણાવ્યું હતું. વધુ એક અપમૃત્યુનો બનાવ આદિપુરમાં પોલીસ લાઈન નજીક વિનાયક હોસ્પિટલ પાસે બન્યો હતો. અહીં ઝૂંપડામાં રહેનાર અનિલ નામના યુવાને આજે બપોરે પોતાના ઘરે રસ્સી વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી.