ભચાઉમાં ત્રણ જણને ઘાયલ કરનારા હુમલામાં આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 12 : પૂર્વ કચ્છના ભચાઉ નગરમાં છરી વડે હુમલો કરીને ત્રણ જણને ઘાયલ કરવાના કેસમાં આરોપી હરેશગર ઉર્ફે હસુ કનૈયાગર ગોસ્વામીની નિયમિત જામીન અરજી ભચાઉ ખાતેની જિલ્લા અદાલત દ્વારા નામંજૂર કરાઇ હતી તો ઓટો પાર્ટસના ભાગીદારીના વ્યવસાય દરમ્યાન નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાત સંબંધી કેસમાં આરોપી ચેતન માવજી સોરઠિયાની આગોતરા જામીનની અરજી અંજાર ખાતેની જિલ્લા કોર્ટએ નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. ભચાઉ ખાતે ટાટાનગર વિસ્તારમાં ઉધાર અપાયેલા રૂપિયા પરત લેવાના મામલે છરી વડે હુમલો થતાં ત્રણ જણ ઘવાયા હતા અને ભારતીય દંડ સંહિતાની કલમ 326 મુજબ તમાચી હુશેન હિંગોરજાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાતાં આરોપી હરેશગર ઉર્ફે હસુ ગોસ્વામીની ધરપકડ કરાઇ હતી. દરમ્યાન આરોપી માટે ભચાઉની જિલ્લા અદાલતમાં નિયમિત જામીન અરજી મુકાઇ હતી. ન્યાયાધીશ એમ.એફ.ખત્રી સમક્ષ સુનાવણી બાદ તેમણે આ જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી સરકારી વકીલ એસ.જી. રાણા તથા ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે સીદીક આઇ. નારેજા રહયા હતા. જયારે અંજારના નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાત સહિતની કલમો તળેના કેસમાં આરોપીઓ પૈકીના ચેતન માવજી સોરઠિયાએ કરેલી આગોતરા જામીનની અરજી અંજારની અધિક  જિલ્લા કોર્ટએ નામંજૂર કરતો આદેશ કર્યો હતો. આ કેસની ફરિયાદ અંજારના મેહુલ પ્રેમજી સોરઠિયા દ્વારા લખાવાઇ હતી. આ સુનાવણીમાં સરકાર વતી સરકારી વકીલ આશિષ પંડયા અને ફરિયાદ પક્ષ વતી એ.જે. ઠકકર અને હીરેન બલદાણિયા હાજર રહયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer