અંજારમાં બે સ્થળે જુગાર ઉપર પોલીસ ત્રાટકી : નવ ખેલી જબ્બે
ગાંધીધામ, તા. 12 : અંજાર શહેરમાં જુગાર અંગેના પોલીસે બે જુદા જુદા દરોડા પાડી 9 ખેલીઓની ધરપકડ કરી હતી. આ ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા 25,470 હસ્તગત કરવામાં આવ્યા હતા.અંજારના ગંગાનાકા બહાર આવેલા કાકરવા કોમ્પલેક્ષ પાસે પોલીસે આજે સવારે છાપો માર્યો હતો. અહીં આ કોમ્પ્લેક્ષના ઓટલા ઉપર જાહેરમાં ધાણી પાસા વડે જુગાર રમતા પ્રદીપસિંહ અણદુભા જાડેજા, કાસમશા હુસેનશા શેખ, હાજીશા પઠાઈશા શેખ, ભચલશા મામદશા શેખ, ઉસ્માનશા જુસબશા શેખ નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા 15,130 તથા ચાર મોબાઈલ એમ કુલ.21,630નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.સ્થાનિક પોલીસે બીજો દરોડો આજે બપોરે પાડયો હતો. અંજારથી આદિપુર જતા રોડ ઉપર આવેલી સાંગ નદીના પુલ નીચે અમુક ખેલીઓ પત્તા ટીંચતા હતા ત્યારે ત્યાં અચાનક પોલીસ ત્રાટકી હતી અને પ્રકાશ ભલા કાનાણી, હાજીશા ઈમામશા શેખ, અશોક નાગજી ચૈહાણ અને હિરાજી અંબાલાલ માજીરાણા નામના શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપિયા 10,340 જપ્ત કરવામાં આવ્યા હતા.