ચુનડી અને ગજોડ વચ્ચેની વાડીમાંથી 2.10 લાખના શરાબનો જથ્થો પકડાયો

ભુજ, તા. 4 : તાલુકાના ચુનડી ગામના વાડી વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક માનકૂવા પોલીસે બે લાખ દસ હજારની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબની 600 બોટલનો જથ્થો આજે રાત્રે કબજે કર્યો હતો. આ જથ્થો તાલુકાના દહીંસરા ગામના પ્રવીણ વેરશી સીજુ (મહેશ્વરી)નો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર કે. બી. વિહોલ સાથે માનકૂવા પોલીસની ટીમે હેડ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહ જાડેજા અને કાનાભાઇ રબારીને મળેલી બાતમીના આધારે ચુનડીથી ગજોડ જતા રોડ ઉપર ચુનડીથી બે કિલોમીટરે જમણી બાજુમાં આવેલી આરોપી પ્રવીણની વાડીમાં આ દરોડો પાડયો હતો, જેમાં શરાબની 50 પેટી મળી આવી હતી. કબજે કરાયેલા જથ્થાની કિંમત રૂા. બે લાખ 10 હજાર થતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ગુણવત્તાસભર દરોડાની કાર્યવાહીમાં પી. આઇ. વિહોલ સાથે સ્ટાફના જયપાલસિંહ જાડેજા, હરિશચંદ્રસિંહ જાડેજા, કાનાભાઇ રબારી, અશોક ડાભી, ભૂપેન્દ્રસિંહ ઝાલા વગેરે જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer