હમીરપર સામૂહિક હત્યાના કેસમાં પાંચ આરોપીની જામીન અરજી નામંજૂર

ભુજ, તા. 4 : એકસાથે પાંચ-પાંચ વ્યક્તિને મોતના મુખમાં ધકેલી નાખનારા રાપર તાલુકાના હમીરપર ગામના હત્યાકાંડ મામલામાં ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકીના પાંચ તહોમતદારની નિયમિત જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો ભચાઉ સ્થિત જિલ્લા અદાલતે આપ્યો હતો. ધરપકડ બાદ હાલે ગળપાદર જેલમાં જયુડિશિયલ કસ્ટડી ભોગવી રહેલા આ કેસના પાંચ આરોપી ખેતા પરબત મકવાણા (કોળી), પ્રવીણ હીરા કોળી, વિશનજી હીરા મકવાણા (કોળી), દિનેશ કરશન અખયાણી (કોળી) અને વનરાજ કરશન અખયાણી (કોળી) માટે નિયમિત જામીન અરજી મુકાઇ હતી. ભચાઉ સ્થિત જિલ્લા અદાલતના અધિક જિલ્લા ન્યાયાધીશ દ્વારા આ પાંચેય જણની આ અરજી નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો. આરોપીઓની બનાવના સ્થળે હાજરી, ઘટનામાં પાંચ જણની એકસાથે હત્યા થવી, પોસ્ટમોર્ટમ અહેવાલના આધારે સપાટીએ આવેલો આરોપીઓનો ઇરાદો તથા ગુનાની ગંભીરતા જેવા પાસાં કેન્દ્રમાં રાખીને ન્યાયાધીશે જામીન અરજી ફગાવી દેતો આ આદેશ કર્યો હતો.  આ સુનાવણીમાં સરકાર વતી આ કેસ માટે ખાસ નિયુકત સરકારી વકીલ ભુજના વરિષ્ઠ ધારાશાત્રી બી.એમ. ધોળકિયા અને તેમની મદદમાં દેવેન્દ્રાસિંહ એમ. જાડેજા રહયા હતા. જયારે ફરિયાદ પક્ષ વતી ભુજના વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી સાથે વાય.વી. વોરા, એ.એન. મહેતા અને હિમ્મતાસિંહ કે. ગઢવી હાજર રહયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer