સૂરજબારી ધોરીમાર્ગે સમારકામના પગલે સપ્તાહમાં ત્રીજીવાર ટ્રાફિકજામ

ભચાઉ, તા. 4 : તાલુકાના સામખિયાળી મોરબી ધોરીમાર્ગ પર સૂરજબારી નજીક ગત વરસાદમાં ધોવાઈ ગયેલા માર્ગના ચાલતા સમારકામના પગલે શુક્રવારે વહેલી સવારે ટ્રાફિકજામનો પ્રશ્ન સર્જાયો હતો. સપ્તાહમાં ટ્રાફિકજામનો ત્રીજીવાર બનાવ બન્યો હતો. માર્ગનું સમારકામ ટોલગેટ કું. દ્વારા ચાલી રહ્યું છે. બિસમાર બનેલો માર્ગ અને તેમાં પડેલા ખાડાઓથી અનેક વાહનોમાં પંક્ચર પડવા અને ખાડાઓથી બચવા ક્યારેક ઓવરલોડ વાહનો પલટી મારી જતા હોય છે. જેના કારણે આ સ્થળે કાયમી ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવે છે. ટોલ ગેટના કર્મચારીઓ અને પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત્ કરાયો હોવાનું સામખિયાળીના પોલીસ કોન્સ્ટેબલ કે. કે. ડોડિયાએ કહ્યું હતું. આ વિશે વારંવાર સમસ્યાના નિરાકરણ માટે સૂરજબારી ટોલ ગેટ અને હાઈવે ઓથોરિટી માર્ગના સમારકામમાં તાબડતોબ કામગીરી કરી સમયસર પ્રશ્નનો ઉકેલ લાવે તેવું પ્રવાસી વર્ગે જણાવ્યું હતું. તો ટ્રાફિકને પૂર્વવત્ કરવા માટે સ્વયંસેવી લોકોનો સાથ તો મળે છે તેમ છતાં પોલીસને નાકે દમ આવી જાય છે. માટે લોકોના સમય અને શક્તિનો બચાવ થાય અને અકસ્માતો થતા અટકે એ માટે સંબંધિત તંત્ર સતર્ક બને તે જરૂરી છે.