ગાંધીધામની યુવતી કોરોના સંક્રમણ અંગે અમેરિકી સરકારને માર્ગદર્શન આપશે

ગાંધીધામ, તા. 4 : સમગ્ર વિશ્વ કોરોના સંક્રમણની નાગચૂડમાં સપડાયું છે. જગતભરના તબીબો આ જંગમાં ઝંપલાવીને માનવજાતને બચાવી રહ્યા છે .અમેરિકામાં વધતા જતા કોરોનાના પ્રકોપને ડામવા માટે અમેરિકી સરકારના પ્રોજક્ટમાં મહત્ત્વનાં પદ ઉપર ગાંધીધામની તબીબ યુવતીની નિયુક્તિ થઈ છે. ગાંધીધામની વતની ડો. સ્ફુર્તિ અમિત રાઠીની અમેરિકાના નેવાડા સ્ટેટના લાસવેગાસ શહેરમાં કોવિડ પેન્ડેમિકના સરકારના પ્રોજક્ટમાં રોગચાળા નિષ્ણાંતનાં મહત્ત્વનાં પદ ઉપર વરણી થઈ છે. તેઓ કોવિડ -19ની વ્યાપક અસરો, અટકાયત અને સંક્રમણ અંગે સરકાર અને લોકોને માર્ગદર્શન આપશે. તેણીએ આદિપુર ખાતે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ એમ. બી. બી. એસ.ની પદવી હાંસલ કરી અમેરિકામાં સ્થાયી થઈ છે. તેણીએ અમેરિકામાં પબ્લિક હેલ્થની અનુસ્નાતકની પદવી પણ હાંસલ કરી છે. અભ્યાસ દરમ્યાન કેન્સર, કેફી પીણા, રોગચાળા મૃત્યુદર, ગાંડપણ વિગેરેમાં ઊંડાણપૂર્વકનું સંશોધન કર્યું છે. ડો.સ્ફુર્તિ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સ્વ. ભોમરાજ જગાણીના પૌત્રી થાય છે. તેણીના પિતા દવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે માતા ડો. શશીકલા માહેશ્વરી તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં હોમ સાયન્સના વિભાગીય વડા તરીકે ફરજ બજાવી રહ્યાં છે.