પાલારા જેલના બંદીવાનો હવે પેટ્રોલ વેચશે...

પાલારા જેલના બંદીવાનો હવે પેટ્રોલ વેચશે...
વસંત અજાણી દ્વારા-
પાલારા (તા. ભુજ), તા. 4 : ગુનાહિત કામ કે કાયદા વિરુદ્ધ કરેલી પ્રવૃત્તિ થકી સળિયા પછી ચાર દીવાલની કોટડીમાં ધકેલાયેલો બંદીવાન જેલવાસ દરમ્યાન અવળી માનસિક સ્થિતિનો શિકાર ન બને એ હેતુએ ભુજ પાલારા જેલમાં એક નવતર દિશા ખૂલતી દેખાય છે. ભુજની ભાગોળે આવેલી પાલારા જિલ્લા જેલમાં અત્યારે કેદીઓ દ્વારા બહારી પ્રવૃત્તિઓમાં ગૌશાળાની પ્રવૃત્તિ મહત્ત્વની છે. માત્ર પાંચ ગૌવંશથી પ્રારંભ થયેલી ગૌશાળામાં અત્યારે પાકા કામના દસેક બંદીવાનો વહેલી સવારથી રાત સુધી પચ્ચાસેક નાના-મોટા ગૌવંશની સારસંભાળ રાખીને એમ કહી શકાય કે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. લોકડાઉન દરમ્યાન બહારથી ગોવાળિયા બોલાવીને પ્રવૃત્તિને ચાલુ રખાઇ હતી. કારણ કે સરકાર દ્વારા કામના મોટા ભાગના કેદીઓને કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા લેવાયેલા પગલાંના લીધે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યા હતા. પેરોલ પૂરી થતાં પરત કેદીઓ પોતાની જવાબદારીઓમાં જોડાઇ ગયા છે. આ ઉપરાંત ભજિયા હાઉસને લોકડાઉન દરમ્યાન બંધ કરવામાં આવ્યા પછી અનલોક-1માં જ પ્રારંભે બે-ત્રણ કેદી અને અત્યારે છએક બંદીવાનો દ્વારા પુન: કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. વળી જેલ પરિસરમાં અને અંદર ગૌશાળા અને ભોજનાલય માટે લીલો ઘાસચારો અને શાકભાજીની ખેતીમાં બંદીવાનો મહત્ત્વનું કામ કરી રહ્યા છે. જ્યારે ગૌશાળાની સમીપે આવેલા અધ્યાત્મિક સ્થળ?પ્રસિદ્ધ ગોપાલેશ્વર મહાદેવ મંદિરની પૂજા-અર્ચના-દેખભાળ પણ બંદીવાન દ્વારા કરવામાં આવે છે. તદ્ઉપરાંત ગૌશાળાના એક રૂમમાં કર્મચારી સ્ટાફ તથા બોર્ડર વિગંના કપડાંને ઇત્રીનું કામ પણ કેદી કરી રહ્યા છે. આ તમામ કામોમાં નિયમ પ્રમાણે મહેનતાણું પણ મળી રહે છે.આ બધા બહારી કામ વચ્ચે અંદરની સિલાઇ મશીનથી થતી કામગીરી તથા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી હસ્તકળા સહિતની પ્રવૃત્તિ જેલમાં કોરોના કાળ વચ્ચે પણ ચાલુ રખાઇ છે. દરમ્યાન જેલ અધીક્ષક ડી. એમ. ગોહિલે મહિલા આશ્રમ ચાર રસ્તા પાસે આવેલા જર્જરિત જેલ આવાસને જમનીદોસ્ત કરીને ત્યાં કેદીઓ દ્વારા સંચાલિત પેટ્રોલપંપ બનાવવાની દરખાસ્તની કાગળવિધિમાં નેવું ટકા જેટલું કામ થઇ ગયું હોવાનું જણાવ્યું હતું. ગુજરાતમાં રાજપીપળા પછી પાલારા જેલના કેદીઓ પેટ્રોલપંપ પર જલ્દી કામ કરતા જોવા મારા સતત પ્રયત્નો રહેલા છે તેમ જણાવ્યું હતું. છેલ્લા આઠેક મહિનાથી કોરોના વાયરસની બીમારી પાલારા જેલમાં અટકાવવા માટે લીધેલા પગલાંની સરાહના ઉપરી અધિકારીઓએ લીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલમાં પણ મુલાકાત, ટિફિનસેવા સહિતની કામગીરી બંધ છે. જેલની બેરકોને સેનિટાઇઝર, થર્મલ ગન તથા કોઇ પણ કેદીને કોઇ પણ જાતની બીમારીના લક્ષણ દેખાય કે તરત જ જેલ હોસ્પિટલની ટીમ કાર્યવાહીમાં જોડાઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેલ અધીક્ષક કોરોના સંક્રમણનો ભોગ બન્યા પરંતુ ચારસોથી વધુ કેદીઓમાં કોઇ પણ કેદીને પોઝિટિવ કેસ આવ્યો નથી. સતત સતર્ક અને કોઇ પણ જાતના જોખમ ઉઠાવ્યા વગર અધીક્ષકે કોરોનાકાળની શ્રેષ્ઠ કામગીરી બદલ `કોરોના વોરિયર્સ'થી નવાજ્યા પણ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer