ઝાડ પર પૈસા ઉગાડવાની કહેવત કચ્છીએ દુબઇની ધરતી પર સાર્થક કરી

ઝાડ પર પૈસા ઉગાડવાની કહેવત કચ્છીએ દુબઇની ધરતી પર સાર્થક કરી
ભુજ, તા.4 : કોઇ ખોટા ખર્ચા કરે તો ઘરના વડીલો છોકરાને કહેતા કે, પૈસા ઝાડ ઉપર નથી ઊગતા... પરંતુ આ કહેવતને સાર્થક કરવાનું કામ એક કચ્છી ઉદ્યોગપતિએ વિદેશની ધરતી પર કર્યું છે. છેક સાત સમંદર પાર પોતાની?ખેતીની સૂઝબૂઝથી ઝાડ પર પૈસા ઉગાડવાનું સપનું સાકાર થયું છે. કોરોના કહેરના કારણે સમગ્ર વિશ્વના દેશોએ એક પછી એક લોકડાઉન શરૂ કર્યું હતું ત્યારે ગલ્ફ પ્રદેશના દુબઇમાં બિલ્ડિંગો બાંધવાનું કામ કરતા કચ્છના મૂળ બાદરગઢ ગામના અશોકભાઇ દોશીએ લોકડાઉન દરમ્યાન પોતાની ત્યાંની ખેતી તરફ ધ્યાન આપીને એક મોટી સફળતા મેળવી છે. કચ્છી બેલડી યોગેશભાઇ દોશી અને અશોકભાઇ દોશી વતનમાં પોતાના બાપ-દાદાના કરિયાણાનો વેપાર છોડીને દુબઇ તરફ પ્રયાણ કર્યું ને હવે તો મોટી-મોટી ઇમારતો બનાવી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્ઝ ખલીફાની નજીક આવેલી તેમના કારોબારની કચેરીનું કામ લોકડાઉનમાં બંધ હોવાથી  કૃષિ ક્ષેત્રમાં ધ્યાન આપ્યું. તેઓ કહે છે કે, આપત્તિને પણ એક તકમાં પરિવર્તિત કરી શકાય છે. મહામામારીમાં વેપારી, ઉદ્યોગપતિ, રોકાણકાર, ધંધાર્થીઓ હતાશામાં સપડાયા હતા એવા સમયે તેમણે એક નવતર પ્રયોગ થકી વિદેશમાં ખેતીમાં પ્રયોગ શરૂ કર્યા. દુબઇના મુખ્ય અખબાર ગલ્ફ ન્યૂઝને આપેલી એક મુલાકાત બાદ ત્યાં વસતા ભારતીયો નહીં, પરંતુ અનેક આરબ લોકો પણ આકર્ષિત થયા હતા. અશોકભાઇએ કહ્યું કે, મને નાનપણથી જ ખેતીનો શોખ હતો. વર્ષોના અનુભવને  કારણે યુનાઇટેડ આરબ અમિરાતમાં આગળ વધીને સપનું સાકાર કર્યું હતું. બાંધકામ વ્યવસાયની સાથે સાથે કૃષિક્ષેત્રે આર્થિક રોકાણ કરીને અનેક લોકોને રોજગાર આપી સ્વાવલંબી બનાવ્યા છે. એટલું જ નહીં આરબ દેશોને સ્વાવલંબી બનાવવાના ક્ષેત્રમાં આગેવાની લીધી છે. પોતાની ખેતીની જમીનમાં ગ્રીન હાઉસ બનાવી હાઇડ્રોફોનિક્સ પદ્ધતિથી ખૂબ જ ઓછા પાણીના ઉપયોગથી બેઝિલ, લેટયુસ, કેસ, રોઝ મેરી જેવા રોજ રસોડામાં ઉપયોગી છોડને ઉછેરી ત્યાંની સુપર માર્કેટ દ્વારા આરબોના ઘરોઘર કચ્છીની પ્રોડક્ટ રોજ પહોંચે છે. રાસ અલ ખૈમાહ નામના 20 હેક્ટરના ફાર્મમાં ખેતી કરતા શ્રી દોશીએ જણાવ્યું કે, સમયની સાથે  પરિવર્તનથી મોટા બદલાવ આવી શકે છે. યુવાનોને  આ ક્ષેત્રમાં આગળ આવવાની  અપીલ કરી?ખેતીમાં  એકના એક હજાર કરવાની તાકાત છે એવું જણાવીને તેમણે મોટાભાઇ યોગેશભાઇના મળેલા માર્ગદર્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer