પિયોણી આનંદ આશ્રમના મહંતનો ષોડશી ભંડારો યોજાયો

નખત્રાણા, તા. 4 : અબડાસા-નખત્રાણાને જોડતા માર્ગ પરના વિખ્યાત નીલકંઠ મહાદેવ આનંદ આશ્રમના બ્રહ્મલીન મહંત અમરગિરિજીનો ષોડશી ભંડારો બે દિવસીય ધાર્મિક કાર્યક્રમ સાથે યોજાયો હતો. આ પ્રસંગે સાધુ, સંતો, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ભંડારાના કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચેલા સાધુ-સંતોનું મંદિરના મહંત હંસગિરિજીએ હારારોપણ કરી વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. પ્રથમ દિને સવારે 9.00 વાગ્યે બ્રહ્મલીન ગંગાગિરિજી તેમજ બ્રહ્મલીન અમરગિરિજીની સમાધિ-પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું, તો રાત્રે અમરગિરિબાપાનો જાગ તથા હરસુખગિરિ જીતુગિરિબાપુ (અંતરજાળ)ની સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. ભંડારા નિમિત્તે મંદિરની ગાયોને બે દિવસ લીલોચારો નીરવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે અમરગિરિજીની સમાધિના પૂજન સાથે ષોડશી ભંડારો યોજાયો હતો. ભોજન-પ્રસાદ બાદ મંદિરના મહંત હંસગિરિજી દ્વારા સાધુ-સંતોને ભેટ-પૂજા સાથે સોળેક જેટલી વસ્તુઓ આપી દક્ષિણા આપી વિદાય આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરગિરિજી બાપા 107 વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ગત તા. 23/3ના બ્રહ્મલીન થયા હતા. સતત સાત દાયકા સુધી નીલકંઠ આનંદ આશ્રમ પિયોણી ખાતે રહી અલખની આહલેક જગાવી હતી. બહોળો ભાવિક વર્ગ ધરાવતા અમરગિરિજીબાપા બ્રહ્મલીન થતાં સાધુ-સમાજ, ભાવિકોમાં શોકની લાગણી પ્રસરી હતી. પંચ દશનામ જૂના અખાડાના અમરગિરિજી શિવપંથી નાગા સાધુ હતા. અમરગિરિજી બાપુના ષોડશી ભંડારા પ્રસંગે મહંત રામેશ્વરગિરિજી મહારાજ (દત્ત અખાડા-ઉજ્જૈન), ગણેશગિરિ બાપુ (ધનિયા વાડા), સિદ્ધેશ્વરગિરિબાપુ (જૂનાગઢ), ધનંજયગિરિ (ભુજ), આકાશગિરિ (હરિદ્વાર), મહાવીરગિરિ - હરિયાણા, કૈલાસગિરિ (મંડાર-રાજ), રાજગિરિ બાપુ-રંગીલા હનુમાન, ખાડાબાપુ સહિત સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં મોટી વિરાણીના હાલે ભુજ નવીનભાઈ એમ. આઈયા, રાજેશભાઈ ચંદન, જીવરાજભાઈ લીંબાણી, દિનેશભાઈ નાયાણી, ઈશ્વરભાઈ સાંખલા, નાનજીભાઈ સાંખલા, રામપર-રોહા પાટીદાર સમાજ, યુવક મંડળ, રાજુભાઈ દરિયાલાલ આઈયા, સુભાષભાઈ આઈયા, પ્રભાતસિંહ જાડેજા, કારૂભા જાડેજા, જગુભા સોઢા, દિનેશ ધોળુ, કાનાભાઈ ચવ્વાણ, હાર્દિક ઠક્કર (કાનો), તરુણ રાજદે, ભાવેશ આઈયા, અશ્વિન જેઠીના સહયોગ સાથે જહેમત ઉઠાવી હતી.