દિલ્હીની ખેડૂત લડતના સમર્થનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસે ધરણા કર્યા

દિલ્હીની ખેડૂત લડતના સમર્થનમાં કચ્છ જિલ્લા કોંગ્રેસે ધરણા કર્યા
ભુજ, તા. 4 : ભાજપની સરકારે દેશમાં ખેડૂતો માટે અમલી બનાવેલા ત્રણ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ચાલતી લડતના સમર્થનમાં ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજાયા હતા. પોલીસે 50 આગેવાનની ધરપકડ કરી હતી. આ પ્રસંગે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દેશભરમાં 62 કરોડ કિસાનો, મજૂરો અને 250થી વધુ કિસાન સંગઠનો કાળા કાયદામાં પરિણમેલા ત્રણ વિધેયકોથી અનાજ અને શાકભાજી બજાર અર્થાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) નાબૂદ કરવાથી કૃષિ પેદાશ ખરીદી વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઇ જશે.તેમણે ઉમેર્યું હતું કે, હવે કિસાનો પોતાની કૃષિ પેદાશો દેશમાં કોઇ પણ સ્થળે વેચી શકશે એવો મોદી સરકારનો દાવો સફેદ જૂઠ છે. મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ પાસે ખેતીની જમીનો ચાલી જાય, ખેડૂતો મજૂર બની પાયમાલ બની જાય તેવા કાયદાઓ ખેડૂતોની રજૂઆત કે વિશ્વાસમાં લીધા વિના અમલમાં લાવ્યા છે તે ત્રણ કાયદાઓ રદ કરવા જોઇએ. પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા, સુધરાઇના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ આવા ખેડૂતના હિતવિરોધી અન્યાયકર્તા કાયદાઓ તરત જ પાછા ખેંચી લેવાની માંગ કરી ઉમેર્યું કે, નહીંતર  કોંગ્રેસ પક્ષ જલદ લડત કાર્યક્રમ આપશે. ત્યારબાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપતી વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, વિપક્ષી નેતા, અરજણભાઇ ભુડિયા, અમીરઅલીભાઇ લોઢિયા, હાજી અલાના સમા, રસીદ સમા, હરિ પાંચા આહીર, ગનીભાઇ કુંભાર, હાજી ગની માંજોઠી, રાજેશ આહીર, ઇકબાલ મંધરા, સંજય ગાંધી, ચેતન જોષી, ભરત ગુપ્તા, રમેશ ગરવા વગેરે જોડાયા હતા. પોલીસ દ્વારા બળપ્રયોગ તથા ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ધરણા કાર્યક્રમ દ્વારા લડત ચલાવી રહેલા કોંગ્રેસી આગેવાનોને આવેદનપત્ર આપતા રોકાયા તો  તેને વખોડતાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી. કે. હુંબલ તથા આગેવાનોએ પોલીસની દમનકારી નીતિને વખોડી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer