સુખપરમાં સંતોના હસ્તે ચારા ભંડારનું લોકાર્પણ

કેરા (તા. ભુજ), તા. 4 : એક સમયે ગાયને સામાન્ય પશુ ગણનારા દેશોમાં ગૌમાતાને ગળે લગાડવાથી થતા ફાયદા અને ગાયનું મહાત્મય જુદી-જુદી રીતે સમજાતું થયું છે ત્યારે હરિકૃષ્ણના આ દેશમાં `ઘર ઘર ગાય' હોવી જોઇએ તેવો સંદેશ આપતાં ભુજ તાલુકાના સુખપર ગામે ચારા ભંડાર (ગોડાઉન)ના પ્રારંભે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોએ ગૌપાલનનો મંત્ર આપ્યો હતો. 2018ના દુષ્કાળ વર્ષે ગાયોના લાભાર્થે સુખપરની શ્રીમદ્ ભાગવત કથા સમિતિ દ્વારા થયેલી કથાની બચતમાંથી ફાળવાયેલી રકમમાંથી અંદાજે સાડા છ લાખના ખર્ચે બનેલા આ ભંડારના ઉદ્ઘાટનમાં બોલતાં લક્ષ્મણપ્રકાશ સ્વામીએ કહ્યું કે, વર્ષો અગાઉ વડીલોએ શરૂ કરેલી ગૌસેવાની પ્રવૃત્તિને આજની યુવાપેઢી આગળ વધારી રહી છે એ આનંદની વાત છે. કપિલમુનિ સ્વામી અને સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત ગૌસેવાના સંયોજક મેઘજીભાઇ હીરાણીએ ગોપાલક એવા ભગવાન શ્રી કૃષ્ણ જેને પૂજતા એ ગૌમાતાનું શાત્રોક્ત અને વૈજ્ઞાનિક મહત્ત્વ સમજાવીને ઘરે ગૌમાતાનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવાનું આહ્વાન કર્યું હતું. ગાયો માટે સંતોએ સૂકા ચારાની ટહેલ નાખતાં ગૌરક્ષણના પ્રમુખ અરજણ પીંડોરિયા, કેશુભાઇ પટેલ (જિ. ભાજપ પ્રમુખ), કાનજીભાઇ વેકરિયા, નારણબાપા વેલાણી, પ્રેમજીભાઇ ખેતાણી (યુ.કે.), શિવજીભાઇ પાધરા, નાનજીભાઇ ગોરસિયા અને લાલજીભાઇ વેલાણી સહિતના દાતાઓએ પણ 1-1 ટ્રક ચારાની જાહેરાત કરતાં સ્થળ ઉપર જ અંદાજે 1.80 લાખનું દાન નોંધાયું હતું. અગાઉની સમિતિએ કરેલા અનેક કાર્યોને આગળ વધારતાં વર્તમાન સમિતિએ 200થી વધુ વૃક્ષારોપણ અને ઉછેર સાથે ગાયો માટે કરાયેલા છાંયડાની વ્યવસ્થાની સંતોએ ખાસ નોંધ લીધી હતી. આ પ્રસંગે હરિબળદાસજી, કે.પી. સ્વામી સહિતના સંતો અને લેવા પટેલ અગ્રણી માવજીભાઇ રાબડિયા, કથા સમિતિના મનજીભાઇ ગોરસિયા, લાલજીભાઇ સમાજ અગ્રણી જાદવજી પાધરા સાથે પરબત ગોરસિયા (બળદિયા) અને ગૌરક્ષણની નવી-જૂની સમિતિના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.અંતે ગૌ પૂજન, આરતી અને પ્રસાદ વિતરણ સાથે ભંડારનું ઉદ્ઘાટન થયેલું એવું ગૌરક્ષણ સંસ્થાના ખજાનચી નવીન ભુડિયાની યાદીમાં જણાવાયું છે.