મંજલ (રેલડિયા)થી ડુમરા સુધી માર્ગ ખખડધજ બનતાં હાલાકી

મંજલ (રેલડિયા)થી ડુમરા સુધી માર્ગ ખખડધજ બનતાં હાલાકી
રાયધણજર (તા. અબડાસા), તા. 4 : અબડાસા તાલુકાના ડુમરાથી (રેલડિયા) મંજલ સુધીનો રોડ બિસમાર બનતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ થોડા સમય પહેલાં બનેલા રોડ પર ઠેકઠેકાણે મોટા-મોટા ખાડા પડી જતાં વાહનોને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ જગ્યાએ અડધો ફૂટ, કોઈ જગ્યાએ પોણો ફૂટ કે કોઈ જગ્યાએ એક-એક ફૂટ જેવડા મોટા ખાડા પડી જતાં નાના વાહનોને નુકસાન થઈ રહ્યું છે. મંજલ ગામથી ડુમરા સુધીના માત્ર પાંચ કિલોમીટરના રસ્તાનું અંતર કાપતાં 20 મિનિટ જેટલો સમય લાગે છે. ત્યારે આકસ્મિક આરોગ્ય સારવાર માટે ડુમરા અથવા માંડવી જવું હોય તો પારાવાર મુશ્કેલી સર્જાય છે અને સમયના વેડફાટની સાથે સાથે કોઈના જીવન સામે પ્રશ્નાર્થ પણ બની શકે છે. મોટા વાહનોથી સતત ધમધમતા આ રોડનો વપરાશ વધુ હોવાના કારણે આ રસ્તાની ગુણવત્તા સારી હોવી જોઈએ.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer