જિલ્લા ભાજપની નવી ટીમ જાહેર
ભુજ, તા. 4 : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાટીના પ્રમુખ તરીકે ફરી વખત કેશુભાઇ પટેલ વરાયા પછી આજે તેમણે જિલ્લાના હોદ્દેદારોની નવી ટીમ જાહેર કરી હતી. આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે. નવી નિમણૂકમાં મહત્ત્વની બાબત એ છે કે, અગાઉની ટીમના અનેકના પત્તા કપાઇ ગયા છે. જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ જાહેર કરેલી યાદી પ્રમાણે ઉપપ્રમુખોમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઇ છાંગા, અબડાસા તા.પં.ના પ્રમુખ ઉષાબા જાડેજા, અંજાર આડાના પૂર્વ ચેરમેન અને અગાઉ ઉપપ્રમુખ રહી ચૂકેલા ભરતભાઇ શાહ, ગાંધીધામના બળવંતભાઇ ઠક્કર, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન જયંતભાઇ માધાપરિયા, પચાણભાઇ સંજોટ, ગંગાબેન સેંઘાણી, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઇલાબેન શાહ, જ્યારે મહામંત્રી પદે વર્તમાન ત્રણેય આગેવાનોને કાયમી રખાયા છે. નવી ટીમમાં મહામંત્રી માંડવીના અનિરુદ્ધભાઇ દવે, સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઇ હુંબલ અને યુવા અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. મંત્રીઓના પદમાં ભચાઉ ભાડાના પૂર્વ ચેરમેન વિકાસભાઇ રાજગોર, મુંદરાના વાલજીભાઇ ટાપરિયા, મૂળ મંજલના પ્રફુલ્લસિંહ જાડેજા, અંજાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વસંતભાઇ કોડરાણી, ગાંધીધામના નીલમબેન લાલવાણી, ભુજમાંથી વિંજુબેન રબારી, રાપરથી હરખીબેન વાઘાણી, ભાવનાબેન ચાવડા તથા કોષાધ્યક્ષ પદે ભુજના પૂર્વ નગરસેવક દિલીપભાઇ શાહની નિયુક્તિ કરવામાં આવી છે.આ વખતની વરણીમાં જૂના આઠેઆઠ ઉપપ્રમુખની બાદબાકી થઇ છે એવી રીતે ગત કેશુભાઇની જ ટર્મના આઠ મંત્રીઓમાંથી સાતના પત્તા કપાયા છે. જો કે ગયા વખતે મંત્રી રહેલા એકમાત્ર દિલીપભાઇને કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, બાકી ત્રણેય મહામંત્રીને રિપીટ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પક્ષમાં આ નિમણૂંક બાદ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઇ હતી જેમાં પક્ષના ચોક્કસ જૂથના હોદ્દેદારોને સાઇડમાં કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ કક્ષાના આગેવાનોના નજીકના જ માણસોની પણ આ વખતે બાદબાકી કરી દેવામાં આવી હોવાથી કયાંક જૂથવાદ આ વરણીઓમાં કામ કરી ગયાનો ગણગણાટ જોવા મળ્યો હતો.