સાયણની સીમમાં પવનચક્કી નિર્માણ મામલે પથ્થરમારા સહિતના હુમલા સાથે તોડફોડ
ભુજ, તા. 4 : લખપત તાલુકાનાં સાયણ ગામની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કી ઊભી કરવાનાં કામ દરમ્યાન રુકાવટ સર્જી પથ્થરમારા સાથેના હુમલા સહિત તોડફોડની ઘટનાને અંજામ અપાયો હતો. મૂળ જૂનાગઢ જિલ્લાના વતની અને હાલે માતાનામઢ ખાતે રહેતા ઉમરાજ યાકુબભાઇ શેખ દ્વારા આ મામલે મોટી સાયણ ગામના ભામુ હીરા રબારી, દિનેશ ભામુ રબારી, શંકર સોમા રબારી અને રવા સોમા રબારી સામે પોલીસ ફરિયાદ લખાવી હતી. ના. સરોવર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ફરિયાદને ટાંકીને પોલીસે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પવનચક્કી લગાવવાનું કામ અમારી મંજૂરી વગર કેમ કરો છો અને ગામમાં રાજીપો નથી તેવું કહી છૂટો પથ્થરમારો કરાયો હતો, જેમાં સુરેશ ચિનુભાઇ બડિયાને ઇજાઓ થઇ હતી. સાથેસાથે બોલેરો જીપમાં તોડફોડ કરી અડધા લાખનું નુકસાન પણ કરાયું હતું.