જાડેજા અને તેની અવેજીમાં આવેલા ચહલે અપાવી જીત

કેનબેરા તા. 4 : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી ટી-20 મેચમાં ભારતનો 11 રને વિજય થયો છે. ટીમ ઇન્ડિયાના 7 વિકેટે 161 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 1પ0 રને હાંફી ગઇ હતી. આ જીતથી ટીમ ઇન્ડિયા ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0થી આગળ થયું છે. આ મેચની ખાસ વાત એ રહી હતી કે રવીન્દ્ર જાડેજાના કન્ક્શન સબ્સ્ટિટયૂટ એટલે કે જાડેજા ઇજાગ્રસ્ત  બન્યા બાદ તેની અવેજીમાં ઇલેવનમાં આવેલો યર્જુવેન્દ્ર ચહલ મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 2પ રનમાં 3 વિકેટ લીધી હતી. તો રવીન્દ્રે આતશી બેટિંગ કરીને અણનમ 44 રન ફટકાર્યાં હતા. આમ, જાડેજા-ચહલના મિશ્રણથી ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી-20 મેચમાં ભારતનો વિજય થયો હતો. આ સિવાય ભારત તરફથી કેએલ રાહુલે અર્ધસદી ફટકારી હતી, તો પોતાની પહેલી મેચમાં નટરાજને 30 રનમાં 3 વિકેટ લઇને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. હવે શ્રેણીનો બીજી મેચ રવિવારે સિડનીમાં રમાશે. ભારતના 162 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ સંગીન પ્રારંભ કરીને પહેલી વિકેટમાં સુકાની એરોન ફિંચ અને ડાર્સી શોર્ટે 46 દડામાં પ6 રનની ભાગીદારી કરી હતી. જો કે, આ બન્ને અનુક્રમે 3પ અને 34 રને આઉટ થવાની સાથે ભારતે મેચ પર પકડ જમાવી હતી. સ્ટાર સ્મિથ (12) અને મેકસવેલ (2) નિષ્ફળ રહ્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર મોઇસ હેનરિકસે 20 દડામાં 30 રનનું ઝડપી યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ચહલ અને નટરાજને 3-3 અને દીપક ચહરે 1 વિકેટ લીધી હતી. સ્પિનર વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં ફકત 16 રન જ આપ્યા હતા. આ પહેલાં ભારતે ઉપસુકાની કેએલ રાહુલના 40 દડામાં પ ચોકકા-1 છગ્ગાથી પ1 અને આખરી ઓવરમાં રવીન્દ્ર જાડેજાના ફટકાબાજી કરીને માત્ર 23 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી આતશી અણનમ 44 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 161 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો હતો. સુકાની કોહલી (9), ધવન (1), મનીષ પાંડે (2) નિષ્ફળ રહ્યા હતા. સંજૂ સેમસને 1પ દડામાં 1 ચોગ્ગા, 1 સિક્સર સાથે 23 અને હાર્દિકે 16 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી હેનરિકસે 22 રનમાં 3 અને સ્ટાર્કે 34 રનમાં 2 વિકેટ લીધી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer