ગાંધીધામમાં કટલેરીની દુકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

ગાંધીધામ, તા. 4 : શહેરના સુંદરપુરીમાં તળાવડી વિસ્તારમાં કટલેરીની દુકાનમાંથી થયેલી રૂા.1.48 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો અને ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી રૂા. 35,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સુંદરપુરીના તળાવડી વિસ્તારમાં આવેલી કટલેરીની એક દુકાનમાંથી ગત તા. 27-11થી તા. 1-12 દરમ્યાન ચોરીનો આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે કૈલાસબેન રાઠોડે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દુકાનમાંથી તસ્કરોએ રૂા.  1.48 લાખની ચણિયાચોળી, સાડી વગેરેની ચોરી કરી હતી. ચોરીના આ બનાવની તપાસ કરતી પોલીસે દીપક લાખા જોગી, યાસીન ઈસ્માઈલ મિયાણાં અને ગૈતમ ઉર્ફે સંજય દેવજી ઘેડા નામના શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રૂા.30,400ની સાડી અને રૂા. 5400નો કટલેરીનો સામાન એમ કુલ રૂા. 35,800નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. તેમની સાથે અન્ય કોઈ છે કે કેમ?અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તે સહિતની વિગતો માટે આ શખ્સોને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer