તલવાણા અને બિદડામાં ચોરી કરનારો ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યો

ભુજ, તા. 4 : માંડવી તાલુકાના તલવાણા ગામે શિવાલયમાં અને બિદડા ગામે પાનબીડીની કેબિન તોડવાના કિસ્સાનો ભેદ માંડવી પોલીસે ભુજના 19 વર્ષની વયના સલીમ અબ્દુલ્લરઝાક ખલિફાની ધરપકડ સાથે ઉકેલી કાઢયો હતો. આ તહોમતદાર પાસેથી એક ચોરીની બાઇક પણ મળી આવી છે. સોમવારે રાત્રે બનેલા ધાર્મિક સ્થાન સહિતની આ બે તસ્કરી વિશેની તપાસ દરમ્યાન બાતમી આધારે કડીબદ્ધ પગલાં લઇને માંડવી પોલીસે કોડાય ચાર રસ્તા સ્થિત ચેકપોસ્ટ ખાતેથી ભુજના સલીમ ખલિફાને ઝડપી પાડયો હતો. આ સમયે આ નવયુવાન પાસેથી આધાર-પુરાવા વગરનું બાઇક પણ મળી આવ્યું હતું. જે વિશે તપાસ કરાતાં આ દ્વીચક્રી ચોરાઉ હોવાનું અને તેણે આ ચોરી ભુજ નજીકના મિરજાપર ગામેથી કરી હોવાનું સપાટીએ આવ્યું હતું. પોલીસદળે જારી કરેલી વિગતો અનુસાર ભુજમાં ભુજિયા ડુંગર પાસે ગણેશ કાંટા નજીકના કામરૂ દેશ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતો સલીમ બાઇક લઇને જઇ રહયો હતો ત્યારે તેને કોડાય ચેકપોસ્ટથી પકડાયો હતો. આ પછી તેની પૂછતાછમાં તલવાણાના શિવમંદિર અને બિદડામાં કેબિનની ચોરીના તાગ મળ્યા હતા. માંડવીના પોલીસ ઇન્સ્પેકટર પી.એમ. ચૌધરી તથા સબ ઇન્સ્પેકટર આર.સી. ગોહિલ સાથે સ્ટાફના દીપાસિંહ સોઢા, દેવરાજ ગઢવી, વાલાભાઇ ગોયલ વગેરે આ ગુનાશોધન કાર્યવાહીમાં જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer