વડઝરના સરપંચના પુત્રનાં લગ્નમાં રાસ-ગરબા અન્વયે ગુનો દાખલ

ભુજ, તા. 4 : તાલુકાના વડઝર ગામે ચાર દિવસ પહેલાં ગામના સરપંચના પુત્રનાં લગ્ન અન્વયે યોજાયેલા રાસ ગરબાના કાર્યક્રમને લઇને ઊભા થયેલા વિવાદ બાદ ગતરાત્રે માનકૂવા પોલીસે આ મામલે સરપંચ પૃથ્વીરાજસિંહ નટુભા સોઢા અને તપાસમાં જેમની સંડોવણી નીકળે તેમની સામે વર્તમાન સમયની સરકારી માર્ગદર્શિકાના ઉલ્લંઘન અને ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો.માનકૂવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જયદેવસિંહ જાડેજાને ફરિયાદી બનાવીને માનકૂવા પોલીસે વડઝરના દરબારવાસમાં રહેતા ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ સોઢા અને સંબંધિતો સામે જાહેરનામાં ભંગ સહિતની આ કાયદાકીય કાર્યવાહી કરી હતી. ઇન્સ્પેકટર કે.બી. વિહોલે પ્રકરણની તપાસ હાથ ધરી છે.ફરિયાદમાં લખાવાયા મુજબ ગત તા. 30મીના સરપંચના પુત્રના લગ્ન અન્વયે બપોરથી સાંજ સુધીના કાર્યક્રમની મામલતદાર ભુજ પાસેથી પરવાનગી મેળવાઇ હતી. આ પછી થયેલા કાર્યક્રમોમાં 100થી વધુ જણની ઉપસ્થિતિ અને સામાજિક અંતરની જાળવણી ન થવી તથા વર્તમાન સમયની સરકારી માર્ગદર્શિકાનો ભંગ થાય તેવા, કોરોના સંક્રમણ ફેલાઇ શકે તેવાં આયોજનની ફરિયાદો ઉઠી હતી. આ કાર્યક્રમો દરમ્યાન કચ્છના જાણીતાં લોકગાયિકા ગીતાબેન રબારીએ પણ ગીતો રજૂ કર્યાં હતાં. સોશિયલ મીડિયામાં આ મામલો ચર્ચાના એરણે ચડયા બાદ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન સૂચના તળે પોલીસે અંતે આ કાયદાકીય પગલું ભર્યું હતું. દરમ્યાન આ બાબતે ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલે વાત કરતાં આયોજનમાં સરપંચ ઉપરાંત કોની-કોની સંડોવણી છે તેની વિગતો ચકાસાઇ રહી છે. સંબંધિતો સામે પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer