આદિપુરમાં આધાર-પુરાવા વગરના પાઉડર-ટુવાલ સાથે એકની અટક
ગાંધીધામ, તા. 4 : આદિપુરના વોર્ડ 3-બી વિસ્તારમાં આવેલાં એક મકાનમાંથી પોલીસે ચોરી કે છળકપટથી મેળવાયેલા ટુવાલ અને પ્રોટિન પાઉડર સાથે એક શખ્સની અટક કરી હતી. આદિપુરમાં આવેલા વોર્ડ 3-બી વિસ્તારના પ્લોટ નંબર 169માં એલ. સી. બી.એ પૂર્વ બાતમીના આધારે ગઈકાલે છાપો માર્યો હતો. આ મકાનમાં રહેતા કિરણસિંઘ ઉજ્જવલસિંઘ કોચરને પકડી પકડવામાં આવ્યો હતો. તેણે પોતાનાં મકાનમાં આવેલા સ્ટોર રૂમમાં અમુક માલ છૂપાવ્યો હતો. જેની બાતમી પોલીસને મળી હતી. આ શખ્સનાં મકાનમાંથી લાબ્રાડા મસલ માસ ગૈનર કંપનીનો ચોકલેટ ફ્લેવર પ્રોટિન પાઉડરના 23 બોકસ તથા રિટ્ઝ સિન્સ 1892 કંપનીના કિચન ટુવાલના બોકસ નંગ 44 એમ કુલ રૂા.2,68,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ માલ અંગે આ શખ્સ આધાર-પુરાવા આપી શકયો ન હતો. તેણે આ માલ કયાંથી લીધો હતો અને કોને આપવાનો હતો તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ગાંધીધામના શકિતનગર વિસ્તારમાં પણ આવી જ કામગીરી કરવામાં આવી હતી, પરંતુ અગમ્ય કારણોસર તેની વિગતો જાહેર કરાઈ ન હોતી, જેથી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા હતા.